Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિજિત દીપકે અને નેહા બોરાને તો પહોંચવા જ ન દેવાયાં

અભિજિત દીપકે અને નેહા બોરાને તો પહોંચવા જ ન દેવાયાં

Published : 17 October, 2026 01:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉક્રૉચ જનતા પાર્ટીનો સ્થાપક ઘરેથી નીકળ્યો ત્યારે જ તેની તથા ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ‍્સ અસોસિએશનની નૅશનલ પ્રેસિડન્ટની મંડી હાઉસ પર અટક કરવામાં આવી.

ગઈ કાલે કનૉટ પ્લેસમાં ‘લહરા દો તિરંગા’ માર્ચમાં જોડાયેલા લોકો.

ગઈ કાલે કનૉટ પ્લેસમાં ‘લહરા દો તિરંગા’ માર્ચમાં જોડાયેલા લોકો.


પોલીસે પરમિશન ન આપી હોવા છતાં દિલ્હીમાં કનૉટ પ્લેસ અને મંડી હાઉસ પર તિરંગા સાથે પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા. જોકે...

રાષ્ટ્રધ્વજ સાથે કૉક્રૉચ જનતા પાર્ટી 
(CJP)ના સેંકડો સમર્થકોએ અને વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ શુક્રવારે સાંજે ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે સેન્ટ્રલ દિલ્હીના કનૉટ પ્લેસ અને મંડી હાઉસ ખાતે શ્રેણીબદ્ધ ફ્લૅશ પ્રોટેસ્ટ્સ કર્યા હતા.
દેખાવકારોએ કનૉટ પ્લેસના ઇનર સર્કલમાં કૂચ કરી હતી અને વચ્ચે-વચ્ચે ‘જય હિન્દ’ના નારા લગાવ્યા હતા. આંદોલનકારીઓ વારંવાર વિખેરાઈને અલગ-અલગ સ્થળોએ ફરી એકઠા થતા જોવા મળ્યા હતા. કેટલાક કાર્યકરોએ રાષ્ટ્રગીત પણ ગાયું હતું.
વિદ્યાર્થીઓ અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ના સભ્યોએ મંડી હાઉસ ખાતે ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરીને ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. આ ઉપરાંત મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા રદ કરવાની અને ૨૦૨૩ના ઇલેક્શન કમિશનર નિમણૂક કાયદાને પાછો ખેંચવાની પણ માગણી કરવામાં આવી હતી. ભીડને વિખેરવાના પ્રયાસ દરમ્યાન પોલીસ અને દેખાવકારો વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી.
આ વિરોધ-પ્રદર્શન કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે સાંજે પાંચ વાગ્યે આયોજિત CJPના ‘લહરા દો તિરંગા’ માર્ચના ભાગરૂપે યોજાયું હતું. જોકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩ હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોને ટાંકીને પોલીસે માર્ચની પરવાનગી આપી નહોતી. કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં સામૂહિક મેળાવડા પર રોક હોવાને પગલે સેન્ટ્રલ પાર્ક શુક્રવારે અને શનિવારે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે.



દિવસ દરમ્યાન દિલ્હી પોલીસના વીસથી વધુ જવાનો અભિજિત દીપકેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેને આ વિરોધ-પ્રદર્શન યોજવા પર રોક લગાવતી નોટિસ આપી હતી.


6000
સુરક્ષા-વ્યવસ્થામાં તહેનાત કરાયેલા પોલીસ-કર્મચારીઓની સંખ્યા

હું એકલો છું તો કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું?

તિરંગા માર્ચમાં જોડાવા ઘરેથી નીકળેલા અભિજિત દીપકેની અટકાયત કરી લેવાઈ ત્યારે તેણે પોલીસને પૂછ્યો સવાલ દિલ્હીમાં ‘લહરા દો તિરંગા’ માર્ચમાં ભાગ લેવા કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ જવા ઘરેથી નીકળેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેની પોલીસે ૧૬ ઑક્ટોબરે અટકાયત કરી હતી. દિલ્હીમાં જ્યાં તે રોકાયો હતો ત્યાંથી બહાર નીકળ્યા બાદ તરત જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. CJP દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં અભિજિત દીપકે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતો સંભળાય છે જેમાં તે કહે છે કે ‘મેં અત્યારે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? હું એકલો છું.’ તેની આસપાસ હાજર લોકો મીડિયાના હોવાનો ઉલ્લેખ કરીને તેણે પૂછ્યું હતું કે માત્ર બહાર નીકળવાથી કયો નિયમ તૂટ્યો છે? 

દિલ્હી પોલીસે દિવસ દરમ્યાન અભિજિત દીપકેને નોટિસ આપીને કનૉટ પ્લેસમાં કાર્યક્રમ નહીં યોજવા જણાવ્યું હતું. જાહેર સલામતી, ટ્રાફિક અને સ્થાનિક વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ પણ અમલમાં મુકાયો હતો. અભિજિત દીપકેએ સાથી નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં માર્ચનું એલાન કર્યું હતું. 

‘લહરા દો તિરંગા’ અભિયાનને મુંબઈમાં મોળો પ્રતિસાદ
આઝાદ મેદાન ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત ‘લહરા દો તિરંગા’ વિરોધ-પ્રદર્શનને મોળો પ્રતિસાદ મળ્યો હતો. સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે અલગ-અલગ સમયે અંદાજે ૫૦થી ૧૦૦ પ્રદર્શનકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. મુંબઈ પોલીસની પરવાનગીથી યોજાયેલું આ પ્રદર્શન રાષ્ટ્રગીત સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હ‌તું. પ્રદર્શનકારીઓએ ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. આ ઉપરાંત તેમણે મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા રદ કરવાની અને ભવિષ્યની ચૂંટણીઓમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (EVM)ના સ્થાને બૅલટ-પેપરનો ઉપયોગ શરૂ કરવાની માગણી કરી હતી. તેમણે દિલ્હી પોલીસ દ્વારા CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને મુખ્ય પ્રવક્તા સૌરભ દાસની ધરપકડની પણ નિંદા કરી હતી. CJPની ‘લહરા દો તિરંગા’ કૂચ વિશે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ કહ્યું, ‘અમે અમારા દેશનો તિરંગો લહેરાવીશું અને અમને આમ કરતા કોઈ રોકી શકશે નહીં.’ 

અભિજિત દીપકે અને નેહા બોરાની અટકાયત વખતે ભારે ધમાચકડી

અભિજિત દીપકેના ઘરે પહોંચીને પોલીસે તેને રૅલી રદ કરવાનું કહ્યું હતું, પણ તે માન્યો નહીં અને સાંજે નીકળ્યો ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી. નેહા બોરાને મંડી હાઉસ પાસે અટકાયતમાં લેવામાં આવી હતી. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજિત દીપકે અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)નાં નૅશનલ પ્રેસિડન્ટ  નેહા બોરા ‘લહરા દો તિરંગા’ વિરોધ-પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યાં હતાં ત્યારે શુક્રવારે દિલ્હી પોલીસે અગમચેતીના ભાગરૂપે બન્નેની અટકાયત કરી હતી. અભિજિત દીપકે કનૉટ પ્લેસ અને નેહા બોરા મંડી હાઉસ તરફ જઈ રહ્યાં હતાં.
અભિજિત દીપકેની ઝંડેવાલાન સ્થિત તેના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી, જ્યારે નેહા બોરાની મંડી હાઉસ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમ્યાન દેખાવકારોની ભીડ, કૅમેરા-ક્રૂ અને સુરક્ષા-કર્મચારીઓ વચ્ચે ભારે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયત બાદ અભિજિત દીપકેને જાફરપુર કલાન પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. નવી દિલ્હીના કનૉટ પ્લેસ, રાજીવ ચોક, સેન્ટ્રલ પાર્ક, જંતર મંતર, પાલિકા બજાર અને આસપાસનાં મેટ્રો સ્ટેશનો પર દિલ્હી પોલીસના ૬૦૦૦થી વધુ જવાનો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ની ૨૨૦ કંપનીઓ તહેનાત કરવા ઉપરાંત વ્યાપક ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 01:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK