૧૦ વર્ષ જૂનાં ડીઝલ અને ૧૫ વર્ષ જૂનાં પેટ્રોલ વાહનોને સોમવારથી ફ્યુઅલ નહીં મળતાં પાણીના ભાવે ગાડી વેચી દેવાનો વારો આવ્યો
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં સરકાર દ્વારા નવી લાગુ કરાયેલી ‘એન્ડ ઑફ લાઇફ’ (EoL) વાહનનીતિને કારણે જૂનાં વાહનો ધરાવતા વાહનમાલિકોને તેમનાં વાહનો પાણીના ભાવે વેચવાની ફરજ પડી છે. ૨૦૧૫માં વરુણ વિજે મર્સિડીઝ-બેન્ઝ ML350 ૮૪ લાખ રૂપિયામાં ખરીદી હતી, પણ હવે તેમને આ કાર માત્ર અઢી લાખ રૂપિયામાં વેચવાની ફરજ પડી છે. બીજી તરફ સારી રીતે જાળવણી કરાયેલી લક્ઝરી કાર રેન્જ રોવર રિતેશ ગંડોત્રાને સાવ નજીવા ભાવે વેચવાની ફરજ પડી હતી.
જૂનાં વાહનોને ફ્યુઅલ નહીં આપવાના નવા નિયમના કારણે જૂનાં વાહનોના દિલ્હીમાં કોઈ ખરીદદાર નથી. રેન્જ રોવર, મર્સિડીઝ જેવી પ્રીમિયમ કારને અન્ય રાજ્યમાં વેચવાની ફરજ પડી છે જેના કારણે વાહનમાલિકોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
બે લાખ કિલોમીટરનું આયુષ્ય બાકી
૮ વર્ષ જૂની ડીઝલ રેન્જ રોવરના માલિક રિતેશ ગંડોત્રાએ જણાવ્યું હતું કે ‘કોવિડ લૉકડાઉન વખતે મારી કાર બે વર્ષ સુધી એમનેમ પડી હતી. એનું આશરે બે લાખ કિલોમીટરનું સંભવિત આયુષ્ય બાકી છે. આ કારની સારી રીતે જાળવણી થતી હતી અને એ ફક્ત ૭૪,૦૦૦ કિલોમીટર ચાલી હતી. હવે ડીઝલ પ્રતિબંધને કારણે ૨૦૧૮માં પંચાવન લાખ રૂપિયામાં ખરીદેલી આ કારને સસ્તા ભાવે વેચવાની ફરજ પડી છે. નૅશનલ કૅપિટલ રીજન (NCR)ની બહારના ખરીદદારોને ખૂબ જ ઓછા ભાવે વેચવી પડી છે.’
પરિવારનો હિસ્સો હતી કાર
૮૪ લાખ રૂપિયાની કાર અઢી લાખ રૂપિયામાં વેચી દેનારા વરુણ વિજે છેલ્લા એક દાયકામાં તેમના પરિવારના જીવનનો ભાગ બની ગયેલી કાર છોડી દેવાના ભાવનાત્મક દુઃખનું વર્ણન કરતાં કહ્યું હતું કે ‘આ કાર સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. પુત્રને હૉસ્ટેલથી લેવા એનો ઉપયોગ થતો હતો. એમાં દર વીક-એન્ડમાં રોડ-ટ્રિપ્સ થતી હતી. વીક-એન્ડમાં અમે સાતથી આઠ કલાક આ કાર ચલાવતા હતા. આ કાર ૧૦ વર્ષથી અમારા જીવનનો એક ભાગ રહી છે. આ કાર ઉત્તમ સ્થિતિમાં છે અને માત્ર ૧.૩૫ લાખ કિલોમીટર ચાલી છે. નવા નિયમોમાં વિકલ્પના અભાવે કાર વેચવી પડી છે. કાર બિલકુલ સારી હતી. ક્યારેય કોઈ મોટી ખામી સર્જાઈ નથી. ફક્ત નિયમિત સર્વિસ અને ટાયર બદલવામાં આવ્યાં હતાં. મને આશા હતી કે હું વાહનનું રજિસ્ટ્રેશન રિન્યુ કરી શકીશ, પરંતુ એ વિકલ્પ સાકાર થયો નહીં. કોઈ એને અઢી લાખ રૂપિયામાં ખરીદવા પણ તૈયાર નહોતું. અંતે મજબૂરીથી મારે એને વેચવી પડી.’
વરુણ વિજે હવે ૬૨ લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. તેઓ એનો ૨૦ વર્ષ સુધી ઉપયોગ કરવા માગે છે.
શું છે EoL નિયમ?
આ નવો EoL નિર્દેશ કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)ના આદેશને અનુસરે છે, આ પ્રતિબંધ હેઠળ દિલ્હીમાં ડીઝલ વાહનો ૧૦ વર્ષ અને પેટ્રોલ વાહનો ૧૫ વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલ્યા બાદ એને સ્ક્રૅપમાં નાખવાનાં રહે છે. તેમને પેટ્રોલ પંપ પર બળતણ પૂરું પાડવામાં આવશે નહીં. પહેલી જુલાઈથી આ નિયમ અમલમાં આવ્યો છે. આ નિર્દેશનો હેતુ દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવાનો છે.

