રાજસ્થાનમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા, બે જણની ધરપકડ
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી
નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાજસ્થાનના ટોંકમાં એક કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં હતાં જેમાં યુરિયાની બોરીઓમાં ૧૫૦ કિલો અૅમોનિયમ નાઇટ્રેટ, ૨૦૦ વિસ્ફોટક બૅટરીઓ અને ૧૧૦૦ મીટર વાયરનો સમાવેશ છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
આ સંદર્ભમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP) મૃત્યુંજય મિશ્રાએ જણાવ્યું હતું કે ‘અમે સુરેન્દ્ર પટવા અને સુરેન્દ્ર મોચીની ધરપકડ કરી છે જે બુંદી જિલ્લાના રહેવાસી છે. ગુપ્ત માહિતીના આધારે બરોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારને અટકાવવામાં આવી હતી. આરોપીઓ વિસ્ફોટક સામગ્રીને સપ્લાય માટે બુંદીથી ટોંક લઈ જઈ રહ્યા હતા. ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલી વિસ્ફોટક સામગ્રીના સ્રોત, એના ઉપયોગનો હેતુ અને સંભવિત લિન્ક્સ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.


