એક પ્રવાસીએ જીવ ગુમાવ્યો, બન્ને કોચ બળી ગયા
ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે
રવિવારની મધરાત પછી ૧૨.૪૫ વાગ્યે આંધ્ર પ્રદેશમાં તાતાનગર-એર્નાકુલમ એક્સપ્રેસના બે ઍર-કન્ડિશન્ડ (AC) ડબ્બામાં આગ ફાટી નીકળતાં ૭૦ વર્ષના ચંદ્રશેખર સુંદરમે જીવ ગુમાવ્યો હતો. જોકે ટ્રેન ઊભી રાખી દેવામાં આવી હોવાથી ઘણા મુસાફરોએ રેલવે-પ્લૅટફૉર્મ પર ઊતરીને તેમનો જીવ બચાવ્યો હતો. વિશાખાપટનમથી લગભગ ૬૬ કિમી દૂર યેલામંચિલીમાં બે AC કોચમાં આગ લાગી હતી. આ બે ડબ્બામાં પ્રવાસ કરી રહેલા આશરે ૧૫૮ મુસાફરોનો સામાન બળી ગયો હતો. આગમાં આ બે AC કોચ ભસ્મીભૂત થયા હતા. એક્સપ્રેસના કોચ B1માં આગ લાગી હતી, પછી એ કોચ M2માં ફેલાઈ હતી. આગની જ્વાળાઓથી ગભરાયેલા મુસાફરો ઇમર્જન્સી ચેઇન ખેંચીને ટ્રેનમાંથી બહાર દોડી ગયા હતા. જ્યારે આગ લાગી ત્યારે એક કોચમાં ૮૨ મુસાફરો અને બીજા કોચમાં ૭૬ મુસાફરો હતા. પોલીસે કોચ B1માંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.
B1 કોચની બ્રેક વધુ ગરમ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


