Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુપરસ્ટારમાંથી સુપર રાજકારણી

સુપરસ્ટારમાંથી સુપર રાજકારણી

Published : 10 May, 2026 01:00 PM | Modified : 10 May, 2026 01:09 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ફિલ્મોથી લોકોનાં દિલોમાં છવાઈ ગયેલો થલાઇવા વિજય હવે રાજકારણમાં પણ જનતાના દિલમાં છવાઈ ગયો છે. ફિલ્મોમાં સરકાર વિરુદ્ધ બેબાકપણું દાખવતા વિજયની પૉલિટિકલ નૈયા હકીકતમાં કેટલી સુપરડુપર નીવડે છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ...

 વિજય

વિજય


ફિલ્મોથી લોકોનાં દિલોમાં છવાઈ ગયેલો થલાઇવા વિજય હવે રાજકારણમાં પણ જનતાના દિલમાં છવાઈ ગયો છે. ફિલ્મોમાં સરકાર વિરુદ્ધ બેબાકપણું દાખવતા વિજયની પૉલિટિકલ નૈયા હકીકતમાં કેટલી સુપરડુપર નીવડે છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ આજે જાણીએ આ અભિનેતાની રાજકારણ સુધીની સફર વિશે....

એક ઍક્ટર જે ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો, ચમક્યો અને લોકોના હૃદય પર એવો છવાઈ ગયો. ત્યાર બાદ તે ફિલ્મો છોડીને રાજકારણમાં પ્રવેશ્યો, ચમક્યો અને પહેલા જ પ્રયત્ને ત્યાં પણ લોકોના હૃદય પર એવો છવાઈ ગયો કે રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ સીટ જીતી લાવ્યો. ટીવી પર મૂવી ચૅનલ્સ અને OTT આવ્યા બાદ હવે વિજય થલપતિનું નામ આપણા કોઈથી અજાણ્યું નથી અને ધારો કે અજાણ્યું રહ્યું પણ હતું તો હવે ચોથી મેએ પાંચ રાજ્યોનાં ચૂંટણી-પરિણામો પછી તો અજાણ્યું નથી જ રહ્યું.

તામિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIDMK) જેવી વર્ષોથી સ્થાનિક રાજકારણમાં સક્રિય એવી પાર્ટીઓને હરાવીને વિજયે પોતાની તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટી દ્વારા આખા રાજ્યમાં સપાટો બોલાવી દીધો. શું લોકપ્રિયતા અને સફળતા વિજયના મુકદ્દરમાં જ લખાઈ હશે? કારણ કે વિજય ફિલ્મોમાં પ્રવેશ્યો ત્યારે હીરો મટીરિયલ કહી શકાય એવો અભિનય કે દેખાવ બેમાંથી કશું જ તેની પાસે નહોતું. એ જ રીતે જ્યારે તે રાજકારણમાં પ્રવેશ્યો ત્યારે પણ ખંધું રાજકારણ કે જાહેર જીવનના રાજકારણ સંદર્ભે કોઈ અનુભવ તેની પાસે નહોતો. ૫૦ વર્ષનો આ ઍક્ટર વિજય થલપતિ તામિલનાડુમાં એટલો લોકપ્રિય અભિનેતા છે કે તેની કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ થવાની હોય એ મોકો તેના ચાહકો માટે કોઈ ઉત્સવથી ઓછો જરાય નથી. યાદ છે વિજયની હમણાં થોડા સમય પહેલાં જ એક ફિલ્મ આવી હતી ‘બીસ્ટ’. વિજયની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તામિલનાડુનાં સિનેમાઘરોએ એ ટ્રેલર જોવા માટે દર્શકો પાસે અલગથી વધારાના પૈસા વસૂલ કર્યા હતા એટલું જ નહીં, કેટલાંક થિયેટરોમાં તો વિજયના ફૅન્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. સાઉથની ફિલ્મોના શોખીનો માટે કદાચ એક નામ અજાણ્યું નહીં હોય - એસ. એ. ચંદ્રશેખર. તામિલ ફિલ્મોના અત્યંત જાણીતા દિગ્દર્શક. તેમણે તામિલ સિવાય કન્નડ, મલયાલી, તેલુગુ જેવી અનેક ભાષાઓ સાથે અંદાજે ૬૦ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેમની ફિલ્મ-દિગ્દર્શનની કારકિર્દીમાં બે ઍક્ટર સાથે સૌથી વધુ ફિલ્મો કરી — એક વિજયકાન્ત અને બીજો વિજય થલપતિ. આ ચંદ્રશેખર એટલે બીજું કોઈ નહીં પણ ભૂતકાળના ઍક્ટર અને આજના ઊભરતા રાજકારણી વિજયના પિતા.

બાળકલાકાર વિજય
આમ જોવા જઈએ તો વિજયની ફિલ્મી કરીઅર બે ભાગમાં વહેંચાયેલી છે. ૧૯૭૪માં જન્મેલો વિજય ૧૯૮૪ની એક ફિલ્મમાં પહેલી વાર બાળકલાકાર તરીકે ચમક્યો. એ ફિલ્મ એટલે પિતા એસ. એ. ચંદ્રશેખર દ્વારા જ નિર્દેશિત ‘વેટ્રી’. આ તેની ફિલ્મી કરીઅરની પહેલી શરૂઆત. ૧૯૮૪ની ‘વેટ્રી’ પછી વિજયે તેના પિતાની બીજી અનેક ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યું.
પણ જરૂરી નહોતું કે દિગ્દર્શક પિતા અને ગાયિકા માતા હોવાને કારણે સુખી-સંપન્ન પરિવારના વિજયનું બાળપણ પણ સરળતાથી જ વીતે. ખ્રિસ્તી ધર્મને અનુસરતા પિતા અને શાસ્ત્રીય ગીતોનાં ગાયિકા માતાના ઘરે જન્મેલો વિજય નાનું બાળક હતો ત્યારે અત્યંત ધમાલિયો અને વડના વાંદરા ઉતારે એવો હતો. આજે આટલો શાંત અને ગંભીર દેખાતો વિજય એ સમયે અત્યંત વાતોડિયો અને આખા ઘરને માથે લેનારો ધમાલિયો છોકરો હતો. પણ એક એવી ઘટના ઘટી કે આ શરારતી છોકરો સદંતર બદલાઈ ગયો. વિજયની લાડકી અને ઘરની સૌથી નાની એવી માત્ર બે વર્ષની બહેન વિદ્યા અચાનક બીમાર પડી. બીમારી એવી કાળમુખી સાબિત થઈ કે તે પોતાની સાથે વિદ્યાનો જીવ પણ લેતી ગઈ. આ ઘટનાએ ધમાલિયા વિજયને નખશિખ બદલી નાખ્યો. વિજયની ધમાલ, તેની બોલ-બોલ કરવાની આદત આ બધું જ જાણે ઘરમાં આવેલું એ એક અકાળ મૃત્યુ પોતાની સાથે લેતું ગયું. ઘરમાં તે સાવ શાંત રહેવા માંડ્યો. આ ઘટના તે બાળકમાં એક મોટું પરિવર્તન લઈ આવી. ભાવનાત્મક દૃષ્ટિએ વિજય ખૂબ પરિપક્વ થઈ ગયો. એ સમયે વિજયને સૌથી મોટી મદદ ક્યાંકથી મળી હોય તો એ હતી ફિલ્મો. પિતાની ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરતી વખતે વિજય એ બધું જ દુઃખ ભૂલી જતો જે તેને નાની બહેનની વિદાયને કારણે સતાવતું હતું.

પોતાની નાની બહેનને અત્યંત પ્રેમ કરતો વિજય આજે પણ તેને ભૂલી શક્યો નથી. વિજયનું પ્રોડક્શન હાઉસ જેનું નામ વી. વી. ક્રીએશન છે એ પણ વિદ્યા-વિજય ક્રીએશન તરીકે રાખવામાં આવ્યું છે. વિજયની કારનો નંબર ૦૨૭૭ પણ તેણે વિદ્યાની જન્મતારીખ પરથી લીધો છે.

એક તરફ પોતાના ઘરથી વિજયની આ બાળકલાકાર તરીકે નાના રોલ્સની કરીઅર શરૂ થઈ તો બીજી તરફ એ જ ૧૯૮૦ના દશકમાં તામિલ સિનેમાનો એક પ્રવાહ પોતાનું જબરદસ્ત ઉફાન પકડી રહ્યો હતો. તામિલ અને તેલુગુ દર્શકોને ઘેલું લાગેલું થલાઇવા રજનીકાંતનું. એ જ રજનીકાંતનો એક નાનકો દીવાનો એટલે વિજય. ભણવામાં તો આમેય ખાસ રસ હતો નહીં. આથી સ્કૂલના રિઝલ્ટમાં પણ ખાસ કંઈ નંબર્સ આવતા નહોતા. જોકે એક બાબતે વિજયને આખી સ્કૂલમાં ફેમસ કરી નાખ્યો હતો અને તે હતી રજનીકાંત પ્રત્યેની દીવાનગી. સ્કૂલમાં હોય ત્યારે અને ઘરે આવે ત્યારે પણ રજનીકાંતની ફિલ્મોના અનેક સીન્સ રજનીકાંતની જ સ્ટાઇલમાં ભજવી દેખાડે. કોઈ દર્શક ન હોય તો સામે આયનો તો હોય જ. પોતે જ પોતાનો દર્શક અને પોતે જ પોતાનો પ્રસંશક. બસ, આ દીવાનગીએ જ તેને પોતાના જીવનનો એક મક્કમ નિર્ધાર આપ્યો - થલાઇવાની જેમ પોતાને સ્ટાર તરીકે સ્થાપિત કરવાનો.

ઘરથી હા પછી ના અને ફરી હા
પિતા દિગ્દર્શક હતા એટલે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને બહુ નજીકથી જાણતા-સમજતા હતા. વિજયને ખબર હતી કે તેમને મનાવવા ખાવાનો ખેલ નથી. વિજયે મા સાથે મળીને પિતા સામે ઍક્ટિંગનો પ્રસ્તાવ મૂક્યો તો ખરો, પણ પરિણામ કદાચ તેને પહેલેથી જ ખબર હતું. પિતાએ ‘ના’ કહી દીધી એટલું જ નહીં, ત્યાં સુધી કહ્યું કે તેઓ ક્યારેય પોતાની ફિલ્મોમાં વિજયને ઍક્ટર તરીકે કામ નહીં આપે. વાત પિતાને સમજાવવાથી શરૂ થઈ. એમાં વચ્ચે ભણતર પણ આવ્યું, ઉંમર પણ આવી અને પરિવારનો સદસ્ય ફિલ્મલાઇનમાં જવા અંગેની દલીલ પણ આવી. આખરે પિતાનું હૃદય પીગળ્યું અને સર્વસંમતિ એ બાબત પર બની કે વિજય પહેલાં પોતાની ઍક્ટિંગ કાબેલિયત દર્શાવે, પિતા સામે પર્ફોર્મ કરે અને ત્યાર બાદ પિતાને જો તેનો પર્ફોર્મન્સ ગમશે તો કદાચ હા કહે એવી શક્યતા છે. વિજયે ફિલ્મ ‘અન્નામલાઈ’નો એક સીન પિતા સામે એટલી જબરદસ્ત રીતે ભજવી દેખાડ્યો કે ના-ના કહેતા પિતાએ પોતાનું મન બદલ્યું. ન માત્ર હા કહી પરંતુ વિજયની કરીઅરની એ પહેલી ફિલ્મના પોતે જ દિગ્દર્શક પણ બન્યા. એક દિગ્દર્શક તરીકે પિતા ચંદ્રશેખરે હા તો કહી દીધી, પરંતુ એક પિતા તરીકે મનોમન તે હજીયે ચાહતા હતા કે દીકરો ફિલ્મલાઇનમાં ન જોડાય ને કંઈક બીજું કામ કરે.

નિષ્ફળતાનો પહેલો સ્વાદ
ખેર, આખરે થલપતિ વિજયને લીડ ઍક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ મળી ગઈ. પિતા ડિરેક્ટર અને દીકરો ઍક્ટર. એ પહેલી ફિલ્મ એટલે ‘નલ્લયા થીરુ’. ૧૯૯૨ની એ સાલ જ્યારે વિજય માત્ર ૧૮ વર્ષનો હતો. પિતા વિચારતા હતા કે પહેલી ફિલ્મનો પહેલો જ સીન વિજયને કંઈક એવો આપું જે કરવામાં તેને તકલીફ પડે, જેથી તે ફિલ્મોમાં કામ કરવાનું ભૂત ભુલાવી દઈને કંઈક બીજું કરવા વિશે વિચારે. ચંદ્રશેખરે પહેલા જ દિવસે શૂટિંગ-શેડ્યુલમાં પહેલો જ સીન એવો અઘરો શૂટ કરવાનું ગોઠવ્યું કે વિજય ચકાચોંધની આ દુનિયાના પહેલા પગથિયે જ પોતાનો વિચાર માંડી વાળે. સીન નરેટ કરવામાં આવ્યો અને શૂટિંગ શરૂ થયું : લાઇટ્સ, કૅમેરા ઍન્ડ ઍક્શન...

પહેલી ફિલ્મ, પહેલો સીન અને પહેલવહેલું શૂટિંગ. વિજયે એ સીન એવો જબરદસ્ત રીતે કરી દેખાડ્યો કે ચંદ્રશેખરનું મંતવ્ય જ પલટાઈ ગયું. પિતા તરીકે ગૌરવ અને દિગ્દર્શક તરીકે સંતુષ્ટ એવા ચંદ્રશેખર એ પહેલા દિવસનું શૂટિંગ પૂરું કરીને જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘આ પહેલી ફિલ્મ હિટ થાય કે ન થાય, પણ વિજય એક દિવસ જરૂર મોટો કલાકાર બનશે!’ દીકરા માટે દરેક બાપની લાગણી કંઈક આવી જ હોય છે, ખરુંને? પછી એ ગમે એ ફીલ્ડ હોય. વિજય સાથે પણ કંઈક એવું જ થયું. તેની પહેલી ફિલ્મ ‘નલ્લયા થીરુ’ એક જબરદસ્ત ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ. એટલું જ નહીં, તામિલનાડુના એક અત્યંત પ્રખ્યાત અને લોકપ્રિય ‘કુમુદમ’ મૅગેઝિને તો ફિલ્મ ‘નલ્લયા થીરુ’ના લીરેલીરા કાઢી નાખ્યા. એટલું જ નહીં, સાથે-સાથે વિજયની પણ જબરદસ્ત આલોચના કરવામાં આવી : ‘છોકરામાં હીરો જેવો કોઈ લુક નથી, ઍક્ટિંગ તેને આવડતી નથી, ફિલ્મમાં કામ કરવાના અભરખા, બાપ સામે જીદ કરી હશે અને બાપે દીકરા માટે ફિલ્મ બનાવી દીધી...’ આવું તો કંઈકેટલુંય  મૅગેઝિનના પાને લખવામાં આવ્યું. જેના માટે આ છપાયું હતું તે ડેબ્યુ ઍક્ટર સુધી પણ એ મૅગેઝિન પહોંચ્યું અને વિજયે વાંચ્યું પણ ખરું. ૧૮-૨૦ વર્ષનો નવોસવો ઍક્ટર અને તેને પહેલી જ ફિલ્મમાં મળેલી આટલી બધી ક્રિટિક્સ. વિજય ઉદાસ થઈ ગયો, તેની આંખોમાં આંસુ આવી ગયાં. એ આખી રાત વિજય ખૂબ રડ્યો. એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રીના લોકો પણ વિજયના પિતાને કહેવા માંડ્યા કે તમે તમારા દીકરા પર પૈસા બરબાદ કરી રહ્યા છો, તેનામાં હીરો બનવા જેવી કોઈ બાબત નથી. જોકે આ બધાની વચ્ચે કોઈ એક અડગ હતું તો તે હતો એકમાત્ર વિજય.

સ્ટાર બનવાનો પાયો નખાયો
વિજયની ત્યાર બાદની ફિલ્મોની હાલત પણ ‘આવી અને ગઈ’ જેવી જ રહી. એક પછી એક ફ્લૉપ પર ફ્લૉપ ફિલ્મો તેની ઍક્ટિંગ-કરીઅરમાં ઉમેરાતી ગઈ. લગભગ ૪ વર્ષ આ જ રીતે ફ્લૉપ ફિલ્મો વચ્ચે કાઢ્યા બાદ આખરે ૧૯૯૪માં એક ફિલ્મ આવી, જેની ક્રેડિટ્સમાં પહેલી વાર લખાયું હતું ઇલ્લાયા થલપતિ (યુવા સેનાપતિ) - વિજય! લોકોએ શરૂઆતમાં આ વિશેષણ માટે મજાક ઉડાવી કે જે હીરો તેની પહેલી જ ફિલ્મમાં ફેંકાઈ ગયો હતો, જેની એક પણ ફિલ્મ હજી સુધી હિટ નથી થઈ તે પોતાને યુવાનોનો સેનાપતિ ગણાવે છે. જોકે વાસ્તવમાં વિજયને ઇલ્લાયા થલપતિ (યુવા સેનાપતિ) વિશેષણથી ઇન્ટ્રોડ્યુસ કરવો એક પર્ફેક્ટ સ્ટ્રૅટેજીનો હિસ્સો હતa. એ સમયે મણિરત્નમની એક ફિલ્મને કારણે રજનીકાંતને થલપતિ તરીકે સંબોધવામાં આવતા હતા અને વિજયના પિતા ચંદ્રશેખર દર્શકોમાં એ ઠસાવવા માગતા હતા કે વિજય થલપતિનો યુવા ઉત્તરાધિકારી છે. અને ખરેખર જ તકદીરનું પાનું ત્યાં સુધીમાં પલટાઈ ચૂક્યું હતું. આ ફિલ્મ વિજયની પહેલી હિટ ફિલ્મ સાબિત થઈ જ્યારે વિજયનો સ્ટાર બનવાનો પાયો નખાયો.

દર્શકો તેને પસંદ કરવા માંડ્યા હતા. ક્યારેક ડાન્સ, ક્યારેક લવ તો ક્યારેક ઍક્શન... અલગ-અલગ ઝોનરમાં પોતાને સાબિત કરતો વિજય હજીયે કોઈ એક ઝોનરમાં ફિટ નહોતો થઈ રહ્યો. આખરે ૯૦નો દશક પૂરો થતાં સુધીમાં તેણે પોતાનું એ સ્થાન પણ મેળવી લીધું. એક રોમૅન્ટિક હીરો તરીકે વિજય હવે સારી રીતે પોતાની રાજગાદી મેળવી ચૂક્યો હતો.

ગિયર ચેન્જ, ઇમેજ ચેન્જ 
વિજય એક અચ્છો અભિનેતા હોવાની સાથે જ એક હોશિયાર ખેલાડી પણ હતો. તેને સમજાઈ ચૂક્યું હતું કે રોમૅન્ટિક હીરોની એક એક્સપાયરી ડેટ હોય છે, જો તેણે લાંબું રમવું હશે તો પોતાની આ ઇમેજ બદલાવી પડશે, કારણ કે એ સમયે વિજય સામે સૌથી મોટી જે બે ટક્કર હતી તે ઍક્ટર્સ હતા અજિતકુમાર અને વિક્રમ. આ બન્ને હીરો ઍક્શન કરીને દર્શકોમાં પોતાનું એક અલગ સ્થાન જમાવી ચૂક્યા હતા અને તેમણે ઇન્ડસ્ટ્રી પર લગભગ-લગભગ કબજો જમાવી લીધો હતો. અને ૨૦૦૩માં એક ફિલ્મ આવી થિરુમલ્લઈ. આ જ ફિલ્મમાં વિજય એક ડાયલૉગ એ રીતે બોલે છે જાણે તે ઇન્ડસ્ટ્રી અને પોતાના દર્શકોને કહી રહ્યો હોય કે હવે તેમનો વિજય બદલાઈ ચૂક્યો છે. એ ડાયલૉગ હતો : જિંદગીમાં જો રિસ્ક ન લીધું તો વિના સ્વાદ રસ્ક ખાવા જેવું છે!’ 
ત્યાર પછીના બીજા જ વર્ષે આવી એક ફિલ્મ ‘ઘિલ્લી’. વિજયની આ ફિલ્મે બૉક્સ-ઑફિસના બધા રેકૉર્ડ તોડી નાખ્યા. ૫૦ કરોડ રૂપિયા કમાનારી એ પહેલી તામિલ ફિલ્મ બની ગઈ. તેની આ ફિલ્મ ત્રિશા --- સાથે આવી જેની સાથે વિજયના પ્રણયસબંધ હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ઊઠતી રહી છે.

સરકાર, આલોચના અને વિજયની ફિલ્મો 
અભિનેતામાંથી સ્ટાર અને સ્ટારમાંથી હવે સુપરસ્ટાર બની ચૂકેલા વિજયની એક પછી એક ધડાધડ બધી ફિલ્મો હિટ થઈ રહી હતી. દિવસે-દિવસે તેનો ફૅનબેઝ વધુ ને વધુ વિસ્તરતો જઈ રહ્યો હતો. સમય એવો આવી ગયો કે હવે જાણે વિજયને ફિલ્મોની નહીં પણ ફિલ્મોને વિજયની જરૂર હતી.

એવા માહોલ વચ્ચે છેલ્લાં થોડાં વર્ષોથી વિજયની ફિલ્મોનો એક સાવ નવો જ દોર શરૂ થયો. લગભગ દરેક ફિલ્મમાં એવું થવા માંડ્યું કે કોઈ ને કોઈ કારણે, કોઈ ને કોઈ ઘટના અંગે વિજય બેધડક સરકારની અથવા સરકારના કોઈ કામની આલોચના કરતો રહ્યો. તેની ફિલ્મોમાં રાજ્યમાં બનેલી કોઈ ઘટના દ્વારા પણ તે સરકારને આડે હાથ લેવા માંડ્યો. તારીખ ૨૦૧૩ની ૯ ઑગસ્ટ. વિજયની એક ફિલ્મ આવી ‘થલાઇવા’, જે તામિલનાડુમાં જ નહીં બલ્કે આખા દેશમાં અને વિદેશમાં પણ રિલીઝ થવાની હતી. જોકે હમણાં સુધી સરકારની આલોચના કરતા રહેલા વિજયની એ ફિલ્મની રિલીઝ સમયે સરકાર પણ જીદ પર આવી ગઈ. સરકારે પ્રયત્નો કર્યા કે વિજયની આ ફિલ્મ રિલીઝ જ ન થાય અથવા રાજ્ય સરકાર કહે એ પ્રમાણે એમાં ફેરફાર કરવામાં આવે. 
મૂળ વાત કંઈક એવી હતી કે સરકારને કદાચ આ સમય સુધીમાં અંદેશો આવી ગયો હતો કે આ રીતે સરકારની વારંવાર આલોચના કરીને વિજય પોતાનું પૉલિટિકલ ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો છે અને ભવિષ્યમાં તે રાજકારણમાં પ્રવેશશે. સરકારે પ્રસ્તાવ મૂક્યો કે ‘થલાઇવા’ ફિલ્મની જે ટૅગલાઇન છે એ હટાવવામાં આવે – ‘ટાઇમ ટુ લીડ’ અર્થાત્ નેતૃત્વ કરવાનો સમય. સત્તા સામે વિજય દ્વારા કરવામાં આવેલો આ પહેલો ઇશારો હતો. સાથે જ એવી ધમકીઓ પણ મળવા માંડી કે વિજયની આ ફિલ્મ જે થિયેટરમાં રિલીઝ થશે ત્યાં એટલા મોટા બૉમ્બધડાકા કરવામાં આવશે કે હજારો લોકો પોતાનો જીવ ગુમાવશે. બસ, બીજું શું જોઈએ? સરકારને વિજયની ફિલ્મ રોકવા માટે એક સબળ કારણ હાથ લાગી ગયું હતું.

મમ્મી-પપ્પા સાથે જોસેફ વિજય ચંદ્રશેખર

વિજય તેની ફિલ્મના પ્રોડ્યુસર્સ સાથે એ સમયે તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાને એવી અરજી લઈને મળવા પણ ગયો કે ફિલ્મને સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવે, પરંતુ જયલલિતા તેને મળ્યાં સુધ્ધાં નહીં. આખરે વિજયે એક વિડિયો-મેસેજ દ્વારા રાજ્ય સરકારને અપીલ કરી કે ફિલ્મ અને સિનેમાઘરોને સુરક્ષા આપવામાં આવે. સરકારે વિડિયો-મેસેજના જવાબરૂપે સુરક્ષા અપાવાની તૈયારી તો દેખાડી, પરંતુ કેટલીક શરતો સાથે. ફિલ્મમાં સરકારે કહ્યા એટલા સીન્સ કાપી નાખવામાં આવ્યા અને ત્યાર બાદ ફિલ્મને રિલીઝની મંજૂરી મળી. જોકે ત્યાં સુધીમાં વિજયની ‘થલાઇવા’ બીજાં રાજ્યોમાં અને વિદેશમાં રિલીઝ થઈ ચૂકી હતી. આથી કટ્સ વિનાની ફિલ્મ પાઇરેટેડ વર્ઝનમાં લોકો પાસે પહોંચી ચૂકી હતી જેને કારણે તામિલનાડુમાં જ્યારે ‘થલાઇવા’ રિલીઝ થઈ ત્યારે ફિલ્મને નુકસાન પણ થયું જ, પરંતુ જબરદસ્ત ફૅનબેઝને કારણે ફિલ્મ સુપરહિટ તો રહી જ.

સુપર સ્ટારડમ વત્તા સામાજિક કાર્યો 
એવું નથી કે વિજય અભિનેતામાંથી સ્ટાર અને સ્ટારમાંથી સુપરસ્ટાર બન્યા પછી પોતાનું સ્ટારડમ જ ભોગવતો રહ્યો. તેણે અનેક સામાજિક કાર્યોમાં પણ પહેલ કરી અને એ માટે સોશ્યલ ગ્રુપ્સ પણ બનાવ્યાં. એમ કહીએ તો ચાલે કે એ બધી પ્રવૃત્તિઓએ તેને એક રાજકારણી તરીકેની છબિ ઊભી કરવામાં ખૂબ મોટી મદદ કરી. ‘વિજય મક્કાલ’ અને ‘કમ ફૅન ક્લબ’ જેવાં વિજયનાં વેલ ઑર્ગેનાઇઝ્ડ ગ્રુપ્સે કોરોનાકાળમાં અને એ સિવાય પણ અનેક સામાજિક કાર્યો કર્યાં. બ્લડ ડોનેશન કૅમ્પ, ફૂડ ડિસ્ટ્રિબ્યુશન, વિદ્યાર્થીઓને સ્કૂલ કે કોચિંગની ફી જેવાં અનેક સામાજિક કાર્યો તેણે પોતાનાં ગ્રુપ્સ દ્વારા કર્યાં અને લોકોમાં માત્ર એક સ્ટાર તરીકે નહીં પરંતુ સામાજિક કાર્યકર્તા તરીકે પણ છાપ ઊપસાવી.

આ પ્રવૃત્તિઓ સાથે જ વિજય અનેક વાર મોઘમ રીતે એવો ઇશારો આપતો રહ્યો હતો કે તે ક્યારેક રાજનીતિમાં આવી શકે છે. અનેક વાર ફિલ્મો દ્વારા, ઇન્ટરવ્યુ કે પબ્લિક અપીઅરન્સ દ્વારા તે એવું કહેતો રહ્યો છે કે જો તે યુવાપેઢી માટે પ્રેરણારૂપ છે તો એનો લાભ જનતાને મળવો જોઈએ; રાજ્યની યુવાપેઢીને શિક્ષા, સમાનતા અને રોજગારની પૂરતી તકો મળવી જોઈએ.
કારણ મળ્યું જનતાને અને વિજયને પણ ઘણા સમયથી જે વાત વિજય મોઘમ રીતે કહી રહ્યો હતો એને વાસ્તવિકતામાં પલટાવવા માટે એક મજબૂત કારણ મળી ગયું. તારીખ હતી ૨૦૨૦ની પાંચમી ફેબ્રુઆરી. તામિલનાડુનું નૈવેલી શહેર અને શહેરની કોલસાની ખાણ. કપડાં જ નહીં આખું શરીર કાળું કરી મૂકતી એ ખાણોમાં આ દિવસે માહોલ કંઈક અલગ હતો, કારણ કે એક સુપરસ્ટારની ફિલ્મનો સેટ ત્યાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તે સ્ટાર ત્યાં શૂટિંગ કરી રહ્યો હતો. પણ દિગ્દર્શક લાઇટ્સ, કૅમેરા ઍન્ડ ઍક્શન... બોલે એ પહેલાં જ કેટલીક કાર ફિલ્મના સેટ પર ધસમસતી આવી ચડી. સરકારી અધિકારી જેવા દેખાતા કેટલાક માણસો એ કારમાંથી ઊતર્યા, કૅમેરા બંધ કરવાનો આદેશ અપાયો અને કોઈ પણ જાતની પૂર્વજાણકારી આપ્યા વિના લોકોના લાડકા સુપરસ્ટારને તેડીને વૅનિટી વેનમાં લઈ જવામાં આવ્યો અને ગણતરીના કલાકોમાં જ કોઈ વૉરન્ટ વિના તે સ્ટારને સરકારી ગાડીમાં બેસાડીને ચેન્નઈ લઈ જવામાં આવ્યો. સરકારી માણસો દ્વારા તેના ઘરની પણ તલાશી લેવાઈ રહી હતી. આ હતી ઇન્કમ-ટૅક્સની રેઇડ. ૨૦ કલાક સુધી તેના ઘરનો ખૂણેખૂણો ચકાસવામાં આવે છે. કાગળો, ફાઇલ્સ, કબાટ, દીવાલ, સોફા અને બેડ્સ બધું કહેતાં બધું જ ઝીણવટપૂર્વક ચકાસાય છે અને ત્યાં જ મીડિયામાં શરૂ થઈ જાય છે એક સ્ટોરી : શું સપરસ્ટારે ટૅક્સ-ચોરી કરી છે? શું તે કોઈ હવાલા કે કૌભાંડમાં સંકળાયેલો છે? શું તેના ઘરેથી કરોડોનું કાળું નાણું મળ્યું છે?

આજે નહીં તો આવતી કાલે તે રાજકારણમાં પ્રવેશશે એવું માનનારા દરેક રાજકારણી માટે આ એક ખુશીના સમાચાર હતા. તેમને લાગતું હતું કે હવે આ સુપરસ્ટાર ઠંડો પડી જશે, પરંતુ થયું એથી સાવ ઊલટું. બીજા દિવસે તે હીરો પોતાના ઘરેથી બમણા આત્મવિશ્વાસ સાથે બહાર નીકળ્યો, નૈવિલીની એ જ ખાણોમાં ગયો અને પોતાની વૅનિટી વૅનની ઉપર ચડીને તેણે ફૅન્સનું અભિવાદન ઝીલ્યું. પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને હજારો નહીં પણ લાખોની સંખ્યામાં આવેલા પોતાના ફૅન્સ સાથે સેલ્ફી લીધો. વાસ્તવમાં એ માત્ર એક સેલ્ફી નહોતો પરંતુ એક મેસેજ હતો એ બધા વિરોધીઓ માટે કે મને ઠંડો પાડી દેવાની જે લોકો કામના કરી રહ્યા છે તેઓ જાણી લે કે હું બમણી ક્ષમતાથી તેમની સામે આવીશ.

પત્ની સંગીતા સોરનલિંગમ અને સંતાનો જેસન સંજય અને દિવ્યા સાથે વિજય

અને વિજય આવ્યો, આવ્યો ત્યારે માત્ર માઇક કે સ્ટેજ નહીં આખેઆખું રાજ્ય ધમધમાવી મૂક્યું. અહીં છેલ્લે વિજયની જિંદગીનો જ એક કિસ્સો યાદ આવે છે. વિજયે તેની એક ફિલ્મના ઑડિયો-લૉન્ચના કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે ઑડિયન્સમાંથી કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે જો તમે મુખ્ય પ્રધાન બનો તો શું કરો? ચહેરા પર હળવું હાસ્ય અને આંખોમાં ભારોભાર આત્મવિશ્વાસ. વિજયે કહ્યું કે જો હું ખરેખર જ રાજ્યનો મુખ્ય પ્રધાન બનીશ તો હું મુખ્ય પ્રધાન બનવાનો અભિનય નહીં કરું, અમે પહેલાં સરકાર બનાવીશું અને પછી ચૂંટણી લડીશું!

એક ફૅન ઊડીને આવી ભારત
આ સફળતા વિજયને ધક્કો મારીને તેની બીજી એક સફળતા તરફ લઈ જવાની હતી. ઇંગ્લૅન્ડમાં રહેતી એક છોકરીએ તેની એ ફિલ્મ જોઈ અને તેની હાર્ડકોર ફૅન બની ગઈ. એટલું જ નહીં, તે ઇંગ્લૅન્ડ છોડીને ભારત સુધી આવી ચડી. ભારત શું કામ આવી? તો લક્ષ્ય માત્ર એક જ હતું - વિજયને મળવું છે! એ દિવસોમાં વિજય ચેન્નઈમાં શૂટિંગ કરી રહ્યો હતો. તો ઇંગ્લૅન્ડની આ છોકરીએ ચેન્નઈના એ ફિલ્મના સેટ પર જવા માંડ્યું. પ્રયત્નો કરવા માંડ્યા કે કેમેય કરીને વિજયને મળી શકાય. જોકે બધા પ્રયત્નો નિષ્ફ્ળ સાબિત થઈ રહ્યા હતા. પછી તો એવું થયું કે વારંવારના, રોજેરોજના આંટાફેરાને કારણે ફિલ્મના યુનિટના લોકો પણ તે છોકરીને ઓળખવા માંડ્યા. આખરે એક દિવસ વિજય સુધી વાત પહોંચી, જે હવે માત્ર અભિનેતા નહોતો પણ સ્ટાર બની ચૂક્યો હતો. વિજયને જાણ કરવામાં આવી કે કોઈ એક છોકરી છે જે રોજ શૂટિંગ પર આવે છે અને તમને મળવા માગે છે. વિજયે તે છોકરીને મળવા બોલાવી. બન્ને મળ્યાં, અલકમલકની વાતો થઈ અને છૂટાં પડ્યાં. જોકે એ પહેલી મુલાકાત માત્ર પહેલી ન રહી. બન્ને ત્યાર બાદ ફિલ્મના શૂટિંગમાં અને શૂટિંગની બહાર પણ મળવા માંડ્યાં. આ સમય સુધીમાં બન્નેને એટલું તો સમજાઈ ગયું હતું કે હવે આ સબંધ માત્ર ઍક્ટર અને ફૅન વચ્ચેનો સબંધ નથી રહ્યો. બન્ને વચ્ચે એક મૅચ્યોરિટી, એક સમજણ સ્થાપિત થઈ ચૂકી હતી.

ચૂંટણીપ્રચાર દરમ્યાન તામિલનાડુમાં ઠેર-ઠેર વિજય માટે જબરદસ્ત દીવાનગી જોવા મળી હતી

છોકરી વિજયનાં માતા-પિતાને પણ મળી. વિજયનાં મા-બાપને દીકરાની તે મિત્ર ગમી પણ ગઈ અને ૧૯૯૯ની ૨૫ ઑગસ્ટે બન્નેનાં લગ્ન થઈ ગયા. ઇંગ્લૅન્ડથી આવેલી તે ફૅન એટલે સંગીતા સોરનલિંગમ! એક સુપરસ્ટારનાં તેની ભૂતકાળની હાર્ડકોર ફૅન સાથે થયેલાં લગ્નના પરિણામસ્વરૂપ તેમના ઘરે એક દીકરો જેસન સંજય અને દીકરી દિવ્યા સાશાનો જન્મ થયો. સામાન્ય રીતે વિજય તેના પરિવારને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

અંગત જીવનનો અણગમતો અધ્યાય

એક તરફ વિજય તામિલનાડુના રાજકારણનો સુપરસ્ટાર બનીને ઊભર્યો છે ત્યારે અંગત જીવનમાં મુશ્કેલીઓનો પાર નથી. ૨૭ વર્ષ સુધી અર્ધાંગિની રહી ચૂકેલી પત્ની સંગીતા સોરનલિંગમે તેના પર બેવફાઈના આરોપો મૂક્યા છે. તે હાલમાં વિજયથી અલગ રહે છે અને તેમની વચ્ચે ડિવૉર્સનો કેસ ચાલી રહ્યો છે. સંગીતાએ કોર્ટમાં તેને યોગ્ય એલિમની મળે એની માગણી કરી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે વિજયને એક્સ્ટ્રા-મૅરિટલ અફેર છે. તેને ૨૦૨૧માં ખબર પડી હતી કે તેને અન્ય ઍક્ટ્રેસ સાથે સંબંધો છે. તેણે એ સંબંધો તોડી નાખવાનું પ્રૉમિસ પણ કરેલું પણ એવું કર્યું નહીં. વધુ આકરા આરોપોમાં તેણે કહ્યું હતું કે ‘મને સોશ્યલ અને પર્સનલ લાઇફથી અલગ કરી દીધી છે એટલું જ નહીં, તે કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે વિદેશયાત્રાઓ અને જાહેર ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વિજયે મને આપેલી સુવિધાઓ પણ પાછી લઈ લીધી છે અને ક્યાંય આવવા-જવા પર અને નાણાકીય પ્રતિબંધો લગાવ્યા છે.’
વિજય તેની કહેવાતી ગર્લફ્રેન્ડ ત્રિશા સાથે દરેક ઇવેન્ટમાં દેખાય છે અને વિજયની જીત પછી જે રીતે સેલિબ્રેશન થયું એમાં બન્ને વચ્ચે ખુલ્લમખુલ્લા એકરાર થઈ ગયો હોય એવું પણ લાગે છે. સંગીતાના કોઈ આરોપોનું વિજયે ખંડન પણ નથી કર્યું અને કોઈ વિરોધ પણ નથી જતાવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 01:09 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK