Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગણેશ ચતુર્થી: પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત દેશના નેતાઓએ સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

ગણેશ ચતુર્થી: પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત દેશના નેતાઓએ સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Published : 14 September, 2026 11:21 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ganesh Chaturthi 2026: દેશભરમાં ગણેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે ત્યારે પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિતના નેતાઓએ દેશવાસીઓના આરોગ્ય, શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી અને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા (તસવીર સૌજન્યઃ એઆઇ)

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi 2026) પાવન પર્વ નિમિત્તે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) સહિત અને અનેક અગ્રણી નેતાઓએ દેશ-વિદેશમાં વસતા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા નેતાઓએ આ પવિત્ર તહેવારમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનિર્માણ અને સામૂહિક પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ નવી ઊર્જા અને સફળતા માટે કરી પ્રાર્થના



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર વિઘ્નહર્તા ભગવાન વિનાયકના એક સંસ્કૃત શ્લોક સાથે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી.


‘તમામ નાગરિકોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. વિઘ્નહર્તાની પૂજા-અર્ચનાનો આ પવિત્ર ઉત્સવ દરેકના જીવનમાં નવી ઊર્જા અને નવો ઉત્સાહ સંચારે’, વડાપ્રધાને લખ્યું હતું. તેમણે વધુમાં પ્રાર્થના કરી હતી કે, ભગવાનના આશીર્વાદથી તમામ પ્રયાસો સફળ થાય અને દેશ સતત પ્રગતિના પંથે આગળ વધતો રહે.


રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન

પોતાના સત્તાવાર સંદેશામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, ‘ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને શુભ કાર્યોના પ્રતિક છે. આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં નવા સંકલ્પો સાથે પ્રગતિના પંથે આગળ વધવાની પ્રેરણા આપે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન ગણેશ દરેકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. ચાલો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.’

મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ પાઠવી ગણેશોત્સવની શુભકામનાઓ

આ પાવન પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ X પર પોસ્ટ કર્યું, ‘શ્રી ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ. વિઘ્નહર્તા તથા જ્ઞાન અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા સૌ પર બની રહે. ગણપતિ બાપ્પા મોર્યા!’

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ પણ ભક્તોને શુભકામનાઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન ગણેશની કૃપાથી લોકોના તમામ સંકલ્પો પૂર્ણ થાય અને જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘અવરોધો દૂર કરનાર અને શુભતાના આશ્રયદાતા ભગવાન શ્રી ગણેશની પૂજાના પવિત્ર તહેવાર શ્રી ગણેશ ચતુર્થી પર તમામ ભક્તો અને રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ગણપતિ બાપ્પાની કૃપાથી દરેક અવરોધ દૂર થાય, દરેક સંકલ્પ પૂર્ણ થાય અને દરેક જીવન સુખ, સમૃદ્ધિ અને મંગલમયતાથી છલકાય - એ જ પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોરિયા.’

લોકસભાના સ્પીકર ઓમ બિરલા (Om Birla)એ પણ નાગરિકોને જ્ઞાન, સદ્બુદ્ધિ અને સદ્ભાવનાના માર્ગે આગળ વધવા વિનંતી કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અક્ષ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પણ ગણેશ ચતુર્થીના પાવન અવસરે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ તહેવાર દ્વારા જનજાગૃતિ લાવવામાં મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકની ઐતિહાસિક ભૂમિકાને યાદ કરી હતી. તેમણે લખ્યું કે, ‘મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકજીએ ગણેશોત્સવને સામાન્ય જનતા સાથે જોડીને સ્વતંત્રતાની લડતમાં એકતા અને જનજાગૃતિનું એક શક્તિશાળી માધ્યમ બનાવ્યું હતું. આ પવિત્ર તહેવાર આપણામાં સ્વતંત્રતા સંગ્રામની એકતા અને સામૂહિક સંકલ્પની ભાવનાને હંમેશા જીવંત રાખે અને આપણને પ્રેમ, સદ્ભાવના અને ભાઈચારા પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપતો રહે.’

૧૦ દિવસીય ગણેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ

ભગવાન ગણેશના પ્રાકટ્ય પર્વ નિમિત્તે ઉજવાતો ગણેશોત્સવ સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તોએ ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં ભગવાન ગણેશની મનોહર મૂર્તિઓની સ્થાપના કરી છે. ૧૦ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દૈનિક આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેનો ૨૫ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે સંપન્ન થશે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 11:21 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK