વાહન ગમે એટલું ફિટ હોય, એનો કમર્શિયલ ઉપયોગ નહીં કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાં ટૅક્સી-વ્યવસાયનો ચહેરો બદલી શકે એવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. હવે ઓલા, ઉબર કે રૅપિડો જેવી કૅબ-સર્વિસમાં ૮ વર્ષથી જૂનાં વાહનો રાખી શકાશે નહીં. આનાથી લાખો ડ્રાઇવરો પ્રભાવિત થઈ શકે છે અને બજારમાં નવાં વાહનોની ડિમાન્ડ પણ ઝડપથી વધી શકે છે. આ નિર્ણયને પગલે પૅસેન્જરોને નવાં, સલામત અને આરામદાયક વાહનો મળશે. નવાં વાહનોમાં મૂળભૂત સલામતી સુવિધા આપવામાં આવે છે એથી મુસાફરોને મોટો ફાયદો થશે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે કૅબ ટૅક્સી ઍગ્રિગેટર્સ માટે જાહેર કરેલી સુધારિત માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ કાર, બસ, થ્રી-વ્હીલર કે મોટરસાઇકલ ૮ વર્ષથી વધુ જૂનાં હોય તો એને કોઈ પણ ઍગ્રિગેટર પ્લૅટફૉર્મ પર સામેલ કરવામાં આવશે નહીં. વાહન ગમે એટલું ફિટ હોય, એને કમર્શિયલ ઉપયોગ માટે નિવૃત્ત ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે આવા ડ્રાઇવરોએ હવે તેમનાં જૂનાં વાહનો બદલવાં પડશે અથવા એને વ્યક્તિગત ઉપયોગ માટે રાખવાં પડશે.
ADVERTISEMENT
ડ્રાઇવરો માટે પણ શરતો
માત્ર વાહન જ નહીં, ડ્રાઇવરો માટે કડક શરત નક્કી કરવામાં આવી છે. હવે દરેક ડ્રાઇવરનું માનસિક મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકન ઍગ્રિગેટર્સે પોતે જ કરવું પડશે જેથી તેઓ જાહેર પરિવહન સેવા પૂરી પાડવા માટે માનસિક રીતે યોગ્ય છે કે નહીં એ નક્કી કરી શકાય. એ ઉપરાંત ડ્રાઇવરોએ પાછળની સીટ પર મુસાફરો માટે તેમના વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ વિશેની માહિતી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવી પડશે.
૨૦ ટકા ટૅક્સીઓ જૂની
ઓલા અને ઉબરના ડેટા અનુસાર લગભગ ૨૦ ટકા ટૅક્સીઓ ૮ વર્ષથી વધુ જૂની છે એને બદલવી પડશે. નિષ્ણાતો માને છે કે નાનાં શહેરોમાં સેકન્ડહૅન્ડ માર્કેટમાં આ વાહનો વેચવાથી કારબજારને ફાયદો થશે. ઑટો સેક્ટરે સરકાર પાસેથી સ્ક્રૅપેજ પ્રોત્સાહનો, સરળ લોન અને કરમુક્તિની માગણી કરી છે જેથી ડ્રાઇવરો પર કોઈ નાણાકીય બોજ ન આવી પડે. ઘણી ફ્લીટ મૅનેજમેન્ટ કંપનીઓ ડ્રાઇવરોને ભાડા અથવા લીઝ પર નવાં વાહનો પૂરાં પાડવાની યોજના બનાવી રહી છે.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૫ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૬ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૯

