આ લેન્સ એવા છે કે તમે એ પહેરીને આંખો બંધ કરી દેશો તોય ઇન્ફ્રારેડ પ્રકાશનાં કિરણોથી લખેલા સંદેશા વાંચી શકશો.
કૉન્ટૅક્ટ લેન્સ
ચીનના વૈજ્ઞાનિકોએ માણસની આંખોને સુપરપાવર આપવા માટે એવો કૉન્ટૅક્ટ લેન્સ બનાવ્યો છે જેનાથી ઇન્ફ્રારેડ લાઇટને પણ જોઈ શકાશે. નરી આંખે માણસ ઇન્ફ્રારેડ લાઇટમાં જોઈ શકતો નથી. સામાન્ય રીતે આ લાઇટનો ઉપયોગ જાસૂસો કરે છે અને મેડિકલ સેક્ટરમાં નિદાન કરવા માટે એનો ઉપયોગ થાય છે. એને કારણે રાતના અંધારામાં પણ માણસ લાઇટ વિના ઘણુંબધું જોઈ શકશે. અલબત્ત, એ નાઇટ-વિઝન ચશ્માં કરતાં અલગ છે. એને ચલાવવા માટે બૅટરી કે પાવરની જરૂર નહીં પડે. આ લેન્સ દેખાવમાં સાવ જ પારદર્શક છે એટલે એ આંખમાં લગાવી દેવાથી ઇન્ફ્રારેડ કિરણો પણ જોઈ શકાય છે. અલબત્ત, આ લેન્સ લગાવીને તમે બહાર ફરી શકો નહીં. એનો ઉપયોગ ચોક્કસ સમયે ખુફિયા સંદેશાઓ મોકલવા-વાંચવા માટે કરી શકાશે. આ લેન્સ એવા છે કે તમે એ પહેરીને આંખો બંધ કરી દેશો તોય ઇન્ફ્રારેડ પ્રકાશનાં કિરણોથી લખેલા સંદેશા વાંચી શકશો.


