પ્રચારની કોઈ શોબાજી નહીં, સોશ્યલ મીડિયામાં પણ પ્રચાર નહીં; સંદેશ એ આપ્યો કે BJPને મત આપો કે ન આપો, ભયમુક્ત બંગાળનો ભરોસો રાખજો...
સુવેન્દુ અધિકારી
૨૦૨૧માં સુવેન્દુ અધિકારી મમતા બૅનરજીને નંદીગ્રામમાં માત આપી શક્યા કેમ કે એ તો તેમનો જૂનો ગઢ હતો જ, પરંતુ આ વખતે તેમણે મમતા બૅનરજીનું જ્યાં રાજ છે એવા ગઢમાં ઘૂસીને માત આપી. આ માટે જબરદસ્ત પ્લાનિંગ હતું. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીથી માંડીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી સુધ્ધાંએ ‘ભય નહીં, ભરોસો જોઈએ’ એ વાક્ય કંઈ એમ જ કૉઇન નહોતું કર્યું. આ સુવેન્દુ અધિકારીએ કરેલા ગ્રાઉન્ડ લેવલના સર્વેમાં જોવા મળેલી જનતાની જ માગણી હતી. ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારીને મમતા બૅનરજી કરતાં ૧૧ ટકા વધુ મત મળ્યા હતા.
કાલીઘાટ એટલે કે જે વિસ્તારમાં મમતા બૅનરજીનું ઘર છે ત્યાં રહેતી રીટા દત્તાએ BJP જીત્યા પછી એક અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. એ દર્શાવે છે કે સ્થાનિકોમાં TMC અને દીદીનો કેટલો ડર હતો. રીટા કહે છે, ‘એક દિવસ સુવેન્દુ અધિકારી અમારા ઘરે આવ્યા. તેમના ગયાના ૧૦ જ મિનિટમાં ૩ છોકરાઓ આવ્યા. ઉંમર ૨૦-૨૨ વર્ષની હશે. હાથમાં એક પૅકેટ આપીને કહ્યું કે TMC તરફથી છે. એ પૅકેટમાં સફેદ સાડી હતી અને એના પર લાલ શાહીથી લખેલું, ‘સાવધાન. સુવેન્દુ દો દિન, TMC સારા જીવન.’ એ પછી પણ જે લોકો BJPના કાર્યકરો સાથે હળતા-મળતા તેમને ધમકીઓ મળતી રહેતી કે ૪ તારીખ પછી જોઈ લઈશું, હાથ-પગ તોડી નાખીશું. અમે આ વાત કોઈક રીતે સુવેન્દુદા સુધી પહોંચાડી.’
ભવાનીપુર એવો વિસ્તાર હતો જ્યાં આ ચૂંટણી પહેલાં BJPની ઑફિસ પણ નહોતી. ઑફિસ બનાવવાના ત્રણથી ૪ પ્રયાસ થયેલા, પણ દરેક વખતે TMCના ગુંડાઓની દાદાગીરી એટલી હતી કે કોઈ જગ્યા ભાડે આપવા તૈયાર નહોતું. આ ચૂંટણીના પ્રચારમાં પહેલું કદમ હતું ગુંડાગીરીનો સામનો કરીને પણ BJPની ઑફિસ બનાવવી. CRPFની મદદ લઈને અહીં એક ઑફિસ બનાવવામાં આવી. BJPના સ્થાનિક કાર્યકરો આ ઑફિસે આવતા ત્યારે જીવ હથેળીમાં લઈને આવતા.
આખા બંગાળ કરતાં ભવાનીપુરમાં ચૂંટણીપ્રચારની રણનીતિ સાવ જ અલગ હતી. અહીં કોઈ શોરબકોર નહોતો કે રૅલીઓ નીકળતી નહોતી. ભવાનીપુરના પ્રચારની સુપર-સિક્સ સ્ટ્રૅટેજી આ હતી:
ઘરે-ઘરે જઈને લોકોને મળવું એ હતી સ્ટ્રૅટેજીનું સૌથી મહત્ત્વનું પાસું. પ્રચાર માટે ડાયરેક્ટ કનેક્ટ થવું. ત્રણ-ત્રણ જણની ટીમો બનાવવામાં આવી. બે પુરુષ અને એક મહિલા. તેઓ ઘરે-ઘરે જતાં. દરવાજે જઈને ચૂંટણીનાં ફરફરિયાં પકડાવી દેવાને બદલે તેમના ઘરમાં અંદર બેસીને વાતો કરતાં. તેમની સમસ્યાઓ વિશે વાત કરતાં. તેમની મુખ્ય ચિંતાઓ શું છે એની વાત કરતાં.
બહુમાળી બિલ્ડિંગોમાં બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડને સાથે લઈને જવાનું. શરૂઆત સૌથી ઉપરના માળેથી કરવાની. દરેક ઘરમાં ટકોરા મારીને વાત કરવાની. નરેન્દ્ર મોદીનો પત્ર, સંકલ્પ-પત્ર અને સુવેન્દુ અધિકારીના પ્રોફાઇલવાળું સાહિત્ય આપીને સમજાવવાનું.
બીજું મહત્ત્વનું પાસું હતું સોશ્યલ મીડિયામાં ચુપકીદી. ઝુંડમાં રૅલીઓ કાઢીને નાહકનું ઘર્ષણ ઊભું નહીં કરવાનું અને ઘરે-ઘરે જનસંપર્ક કરવાની વાતને પણ ગાઈવગાડીને ક્યાંય નહીં કરવાની. સોશ્યલ મીડિયામાં પણ નહીં. ક્યાંય જનસંપર્કની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને મીટિંગોની જાહેરાત નહીં કરવાની. આખું અભિયાન ખામોશીથી થવું જોઈએ.
સમયની પસંદગીમાં ધ્યાન. ઘરના પુરુષોને મળવું હોય તો સવારે ૧૦ પહેલાં અને સાંજે ૬ પછી જ જવું પડે. બપોરના સમયે મહિલાઓ સાથે નિરાંતે વાત થાય. મહિલાઓની ટીમ બપોરે મહિલા મતદાતાઓનો સંપર્ક કરવા જાય, જ્યારે પુરુષોનો સંપર્ક તેઓ સવારે ચાલવા નીકળતા હોય કે સાંજે ફરવા નીકળ્યા હોય ત્યારે કરવાનો. આ ઉપરાંત અલગ-અલગ પ્રોફેશનલ્સ જેમ કે ડૉક્ટરો, ઍડ્વોકેટ્સ, પત્રકારો, ટીચર્સ, રિટાયર્ડ કર્મચારીઓની અલગ-અલગ મીટિંગ કરવામાં આવી.
૫૦૦૦ નવા અને સાઇલન્ટ વોટર્સે ગેમ બદલી. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને કારણે મતદારયાદીમાંથી ૪૦,૦૦૦ નામો કપાઈ ચૂક્યાં હતાં, જ્યારે ૫૦૦૦ નવાં નામો પણ જોડાયાં હતાં. એમાં મોટા ભાગે એવા યુવાનો હતા જેઓ ભણવા કે નોકરી કરવા બહાર જતા રહ્યા હતા. આ લોકોને ટાર્ગેટ કરીને ફોન પર વાતચીત કરીને તેમનો સંપર્ક વધાર્યો અને તેમને મત આપવા માટે સમજાવ્યા.
કમ્યુનિટી મુજબ ટીમો બનાવી. ભવાનીપુરમાં ૪૨ ટકા મતદાતાઓ બંગાળી છે, જ્યારે ૩૪ ટકા બિનબંગાળી છે અને ૨૪ ટકા મુસ્લિમ મતદાતાઓ છે. ગૅરબંગાળીઓમાં સિખ, મારવાડી, રાજસ્થાની મતદાતાઓ પર ફોકસ કરવામાં આવ્યું. મુસ્લિમો BJPને મત નથી જ આપવાના એ વાત સ્વીકારી લેવાઈ હતી. દરેક વિસ્તારમાં રહેતી કમ્યુનિટી મૅજોરિટીના આધારે સ્થાનિક લીડર્સ નીમવામાં આવ્યા જેથી તેઓ મતદાતા સાથે ડાયરેક્ટ અને ઇનફૉર્મલ કનેક્ટ કરી શકે. ૮ વોર્ડમાં ૮ પ્રવાસી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
સૌથી મહત્ત્વનું કામ ભરોસો આપવાનું. TMCના નેતાઓ ખુલ્લેઆમ ધમકી જ આપતા હતા કે અમને મત નહીં આપો તો હાથ-પગ તોડી નાખીશું. એનાથી સંપૂર્ણપણે વિપરીત સ્ટ્રૅટેજી હતી BJPની. જનસંપર્ક દરમ્યાન મતદાતાઓને BJPનો સંકલ્પ-પત્ર માત્ર સમજાવવાનો. તેમને એ પછી ચૉઇસ આપવી કે તમે ભયમુક્ત થાઓ એ જ અમારો ઉદ્દેશ છે, ભરોસો રાખો કે તમે BJPને મત નહીં આપો તો પણ તમને રક્ષણ જરૂરી આપીશું.
