ભારત નવાં ૧૧૪ રફાલ ફાઇટર જેટ અને છ P-8I ઍરક્રાફ્ટ ખરીદશે
રફાલ જેટ
મોદી સરકારે ૧૧૪ નવાં રફાલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે, જેમાં ફ્રાન્સ સાથે ૩.૨૫ લાખ કરોડ રૂપિયાનો સોદો થશે. ગયા વર્ષે ઑપરેશન સિંદૂરમાં રાફેલ ફાઇટર જેટની શક્તિ આખી દુનિયાએ જોઈ હતી. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં નવાં ૧૧૪ રાફેલ જેટની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. સશસ્ત્ર દળો તરફથી મળેલી વિવિધ ૩.૬૦ લાખ કરોડ કરોડ રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાફેલ ઉપરાંત ફ્રાન્સ પાસેથી સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ અને અમેરિકા પાસેથી સમુદ્રમાં નજર રાખવા માટે ૬ P-8I ઍરક્રાફ્ટ અને ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુદર્શન રક્ષાકવચ માટે S-400ની ખરીદી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રફાલમાં સ્કેલ્પ મિસાઇલ પણ છે જે હવાથી જમીન પર પ્રહાર કરતી ક્રૂઝ મિસાઇલ છે.
ADVERTISEMENT
આ સિવાય ભારતીય સેના માટે વિભવ ઍન્ટિ-ટૅન્ક માઇન્સની ખરીદીને પણ મંજૂરીની સંભાવના છે. T-72 ટૅન્ક અને ઇન્ફન્ટ્રી કૉમ્બેટ વ્હીકલ (BMP-II)ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
ભારતે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ વિમાન ખરીદ્યાં હતાં, જેની ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૪માં પૂરી થઈ હતી. આ પહેલાં ભારતે એપ્રિલ ૨૦૨૫માં ફ્રાન્સ સાથે ૨૬ રાફેલ મરીન જેટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સોદો ૬૩,૦૦૦ કરોડ રૂપિયાનો હતો. આ રાફેલ જેટ વિમાનવાહક જહાજોથી ઉડાન ભરવા માટે સક્ષમ છે અને નૌકાદળના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.


