સોશ્યલ મીડિયાના યુગમાં સેલ્ફી લેવો ક્યારેક જીવલેણ સાબિત થાય છે અને આ બાબતમાં ભારત સૌથી આગળ છે.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયાના યુગમાં સેલ્ફી લેવો ક્યારેક જીવલેણ સાબિત થાય છે અને આ બાબતમાં ભારત સૌથી આગળ છે. અમેરિકન વકીલોની કંપની ધ બાર્બર લૉ ફર્મ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં માર્ચ ૨૦૧૪ અને મે ૨૦૨૫ વચ્ચે વિશ્વભરમાં સેલ્ફી-સંબંધિત ઘટનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં સૌથી ખતરનાક દેશોની ઓળખ કરવામાં આવી હતી. ભારત ૨૭૧ અકસ્માત સાથે યાદીમાં ટોચ પર હતું. આમાં ૨૧૪ જણે જીવ ગુમાવ્યો હતો અને ૫૭ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિશ્વભરમાં સેલ્ફી લેતી વખતે બનેલી ૪૨.૧ ટકા ઘટનાઓ ભારતમાં બની છે. ત્યાર બાદ ૪૫ મૃત્યુ સાથે અમેરિકા બીજા ક્રમે અને ૧૯ મૃત્યુ સાથે રશિયા ત્રીજા ક્રમે હતું. આ લિસ્ટમાં ત્યાર બાદ પાકિસ્તાન (૧૬), ઑસ્ટ્રેલિયા (૧૫), ઇન્ડોનેશિયા (૧૪), કેન્યા (૧૩), યુનાઇટેડ કિંગડમ (૧૩), સ્પેન(૧૩) અને બ્રાઝિલ (૧૩) આવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે અકસ્માત એવાં સ્થળોએ થયા હતા જ્યાં ગીચ વસ્તી હોય, જોખમી સ્થળો જેવાં કે પર્વતો, નદી કે રેલવે-ટ્રૅક હોય.
ફર્મના સંશોધકોએ માર્ચ ૨૦૧૪થી મે ૨૦૨૫ સુધી વિશ્વભરમાં સેલ્ફી-સંબંધિત ઘટનાઓનો અભ્યાસ કર્યો હતો. ગૂગલ ન્યુઝમાંથી મેળવેલા સમાચારોનો ઉપયોગ કરીને અભ્યાસમાં એવા કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યાં સેલ્ફી લેવાના પ્રયાસથી સીધી ઈજા થઈ હતી અથવા મૃત્યુ થયું હતું.

