કેજરીવાલના ચાણક્ય સંદીપ પાઠકની એક્ઝિટ AAP માટે ખરેખર આઘાતજનક
ક્રિકેટર હરભજન સિંહના જાલંધરના ઘરની બહાર ગઈ કાલે AAP કાર્યકર્તાઓએ કાળી શાહીના સ્પ્રેથી ગદ્દાર લખ્યું હતું.
પંજાબ અને દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP) માટે ૭ સંસદસભ્યોની બળવાખોરીનું સંકટ વધુ મોટું છે, કારણ કે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક જેવા નેતાઓને પાર્ટીની વ્યૂહરચના અને સંગઠનના મુખ્ય આધારસ્તંભ માનવામાં આવતા હતા. AAP માટે એના ૧૪ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મુશ્કેલ સમય છે, કારણ કે એ એના પોતાના ભૂતપૂર્વ સાથીઓ તરફથી બળવાનો સામનો કરી રહી છે.
AAPના રાજ્યસભાના બે-તૃતીયાંશ સંસદસભ્યો BJPમાં ભળી ગયા, પરંતુ સંદીપ પાઠકના પક્ષપલટાથી પક્ષને આઘાત લાગ્યો છે કારણ કે તેઓ અરવિંદ કેજરીવાલના મુખ્ય રણનીતિકાર અને BJPના કટ્ટર ટીકાકાર હતા. ઘણી રીતે તેમને અરવિંદ કેજરીવાલના ચાણક્ય તરીકે ગણવામાં આવતા હતા, જે AAPનું અમિત શાહનું પોતાનું સંસ્કરણ હતું. સંદીપ પાઠક વિશે પક્ષની અંદરના મૂડને પ્રતિબિંબિત કરતાં AAPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સંદીપ પાર્ટી છોડી દેશે, BJPમાં જોડાવાની વાત તો દૂરની છે.
ADVERTISEMENT
સંદીપ પાઠક લાંબા સમયથી AAPના BJPના સૌથી વધુ સ્પષ્ટ ટીકાકારોમાંના એક હતા. તેઓ બૅકરૂમ ઑપરેટર તરીકે જાણીતા હતા. તેમણે ૨૦૨૨થી કડક સંગઠનાત્મક વ્યૂહરચનાકાર તરીકે પ્રતિષ્ઠા બનાવી હતી. લગભગ ફક્ત રાજકીય આયોજન પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. ૨૦૨૫ની શરૂઆત સુધી સંદીપ પાઠકે પાર્ટીમાં અસરકારક રીતે નિર્ણયો લીધા. એક્સાઇઝ પૉલિસી કેસને કારણે AAPના વડાની ગેરહાજરી દરમ્યાન તેમણે સંગઠનાત્મક નિર્ણયોનું સંચાલન કરવાથી લઈને કૉન્ગ્રેસ સાથે કઠિન વાટાઘાટો ચલાવવા સુધી, ખાસ કરીને હરિયાણામાં, બહુવિધ જવાબદારીઓ સંભાળી. જોકે ૨૦૨૫માં કેજરીવાલ અને પાર્ટીની કેન્દ્રીય વ્યૂહરચનાથી તેમનું અંતર વધ્યું અને તેમને એક એવો આંચકો આપવામાં આવ્યો જેમાંથી તેઓ ક્યારેય સંપૂર્ણપણે સ્વસ્થ થયા નહીં.
કેજરીવાલ રાઘવ ચઢ્ઢા સહિતના તમામ બળવાખોર સંસદસભ્યોને સાંજે મળવાના હતા, પણ સવાર થતાં જ બધાએ ધડાકો કરી દીધો
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સંસદસભ્યોની નારાજગીની જાણકારી મળી હતી. તેમણે શુક્રવારે સાંજે આ નેતાઓને ચર્ચા માટે તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા. કેજરીવાલે સંસદસભ્યોને ખાતરી આપી હતી કે જો તેઓ કોઈ પણ કારણોસર પાર્ટીથી નાખુશ હોય તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી શકે છે અને પાર્ટી તેમને આગામી કાર્યકાળમાં ફરીથી ચૂંટવાનું વચન આપશે. જોકે આ બેઠક ક્યારેય થઈ નહોતી, કારણ કે સંસદસભ્યોએ મુલાકાત થાય એ પહેલાં જ તેમનાં રાજીનામાં આપવાની અને BJPમાં જોડાવાની જાહેરાત કરી હતી.
BJPમાં જોડાતાં જ રાઘવ ચઢ્ઢાના ૧૦ લાખ ફૉલોઅર્સ ઘટી ગયા
સોશ્યલ મીડિયા ટ્રૅકિંગ ડેટા અનુસાર રાઘવ ચઢ્ઢા BJPમાં જોડાયા એના ૨૪ કલાકની અંદર તેમના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સની સંખ્યામાં લગભગ ૧૦ લાખનો ઘટાડો થઈ ગયો હતો. અચાનક જ સંખ્યામાં થયેલા ઘટાડાને લોકો જેન-ઝીના ગુસ્સા તરીકે જોઈ રહ્યા છે. આ રાજનીતિક પરિવર્તનની ઑનલાઇન તીખી પ્રતિક્રિયા છે. વિશ્લેષકોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢાની ડિજિટલ ઑડિયન્સ વચ્ચેની પૉપ્યુલરિટીમાં ઓટ આવી છે એવું કહી શકાય.
AAPના સૌથી ધનિક સંસદસભ્ય છે રાજિન્દર ગુપ્તા, ૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ
AAP છોડીને BJPમાં જોડાયેલા રાજ્યસભાના સંસદસભ્યોમાં સૌથી ધનિક રાજિન્દર ગુપ્તા છે. આ સંદર્ભમાં અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) નામના સંગઠનના અહેવાલ મુજબ તેમની કુલ સંપત્તિ ૫૦૫૩ કરોડ રૂપિયાથી વધુ છે. તેઓ ફક્ત આ જૂથના સૌથી ધનિક સભ્ય જ નહીં પણ રાજ્યસભાના એકંદરે સૌથી ધનિક સભ્ય પણ છે. બીજા ક્રમે વિક્રમજિત સિંહ સાહની આવે છે. તેમના ચૂંટણી-સોગંદનામા અને ADR અનુસાર તેમની કુલ સંપત્તિ આશરે ૪૯૮ કરોડ રૂપિયાથી વધારે છે. અશોક મિત્તલ પાસે ૯૧ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક તરીકે તેમના પરિવારની અને સંસ્થાકીય સંપત્તિ તેમના જાહેર કરેલા આંકડા કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવાનું માનવામાં આવે છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ આશરે ૮૧.૮ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેની સંપત્તિ ક્રિકેટની કમાણી, એન્ડોર્સમેન્ટ અને વ્યાવસાયિક સાહસોમાંથી આવે છે. સંદીપ પાઠકની સંપત્તિ ૪ કરોડ રૂપિયા વચ્ચે હોવાનો અંદાજ છે. ૨૦૨૪માં પ્રકાશિત થયેલા ચૂંટણી-સોગંદનામા મુજબ રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિ ૩૭થી પંચાવન લાખ રૂપિયાની વચ્ચે છે. બીજી તરફ સ્વાતિ માલીવાલની સંપત્તિ ૧૯.૫ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સંસદસભ્યો વચ્ચે સંપત્તિનો તફાવત નોંધપાત્ર છે.
કેજરીવાલ એક વર્ષ સુધી અશોક મિત્તલના બંગલામાં રહ્યા, તેઓ બહાર નીકળ્યા એ જ દિવસે તેમણે AAP છોડી દીધી
૨૦૨૪માં એક્સાઇઝ પૉલિસી કેસમાં જામીન પર છૂટ્યા બાદ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી અરવિંદ કેજરીવાલ અને તેમનો પરિવાર દિલ્હીમાં AAPના સંસદસભ્ય અશોક મિત્તલના સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બંગલામાં રહ્યા હતા. રાષ્ટ્રીય પક્ષના વડા હોવાના કારણે કેન્દ્ર સરકારે કેજરીવાલને દિલ્હીમાં એક બંગલો ફાળવ્યો હતો અને કેજરીવાલ તેમના પરિવાર સાથે શુક્રવારે મિત્તલના બંગલામાંથી શિફ્ટ થયા એના થોડા કલાકો પછી મિત્તલે રાઘવ ચઢ્ઢા સાથે AAP છોડી દીધી હતી. ૨૪ એપ્રિલે કેજરીવાલ મિત્તલના ઘરમાંથી નીકળીને લોધી એસ્ટેટમાં આવેલા ટાઇપ-VII સરકારી બંગલામાં રહેવા ગયા હતા, પણ આ બંગલામાં પ્રવેશ સાથે તેમને મોટો આઘાત મળ્યો હતો.
