નબળી સિસ્ટમને કારણે દેશમાં સરેરાશ કરતાં અડધો જ વરસાદ નોંધાયો છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ૨૦૨૬ના ચોમાસાની શરૂઆત અત્યંત ચિંતાજનક રહી છે. દેશમાં જૂન મહિનો ૧૯૦૧ પછીનો પાંચમો સૌથી સૂકો મહિનો બનવા તરફ આગળ વધી રહ્યો છે. ચોમાસું આગળ વધતું અટકી જવાને કારણે અને વાતાવરણમાં પણ પ્રતિકૂળતાને લીધે દેશમાં વરસાદમાં ૪૩ ટકા જેટલી મોટી અછત વર્તાઈ રહી છે. આંકડા દર્શાવે છે કે સામાન્ય રીતે જૂન મહિનામાં દેશમાં સરેરાશ ૧૬૫.૩ મિલીમીટર વરસાદ પડતો હોય છે, જેની સામે આ વર્ષે મહિનાના અંતિમ દિવસો સુધીમાં માત્ર ૮૫.૨ મિલીમીટર વરસાદ જ રેકૉર્ડ થયો છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો ૧૯૦૧ પછી જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્તરે વરસાદનો આંકડો ૧૦૦ મિલીમીટરથી નીચે ગયો હોય એવું આ પાંચમી વખત બન્યું છે. આ પહેલાં ૧૯૦૫, ૧૯૨૬, ૨૦૦૯ (જે ૮૭.૫ મિલીમીટર સાથે અત્યાર સુધીનો સૌથી સૂકો જૂન હતો) અને ૨૦૧૪માં આવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો ખૂબ જ નબળા પડવા અને બંગાળની ખાડીમાં વરસાદ લાવતી લો-પ્રેશર (હળવા દબાણ)ની સિસ્ટમ ન સર્જાવાને કારણે ચોમાસાની ગતિ આટલી ધીમી પડી ગઈ છે.
ADVERTISEMENT
આ નબળા ચોમાસાની પ્રાદેશિક સ્તરે ગંભીર અસરો જોવા મળી છે. મહારાષ્ટ્રના પુણેમાં જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં બિલકુલ વરસાદ પડ્યો નહોતો, જ્યારે ગોવામાં લાંબા સમય સુધી ૭૦ ટકા જેટલી વરસાદની ભારે અછત વર્તાઈ હતી.
