તેની બૅગમાં કાજુ અને કિસમિસ હતાં અને તે અજમેર જવા માગતો હતો એવું તેણે કહ્યું હતું
અબ્દુલ અહમદ શેખ
અયોધ્યાના રામ મંદિર પરિસરની સુરક્ષાવ્યવસ્થામાં ચૂક સામે આવી છે. શનિવારે મંદિરના દક્ષિણ પરકોટા ક્ષેત્રમાં નમાજ પઢતા એક માણસને રોકવામાં આવતાં તેણે નારાબાજી શરૂ કરી દીધી હતી. સૂત્રો અનુસાર આ માણસ રામ મંદિર પરિસરમાં સીતા રસોઈ પાસે નમાજ પઢતો દેખાયો હતો. તેની વેશભૂષા કાશ્મીરી હતી. તેની ઓળખ પંચાવન વર્ષના અબ્દુલ અહમદ શેખ તરીકે થઈ હતી. તે કાશ્મીરના શોપિયાંનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. નજરે જોનારા લોકોનું કહેવું હતું કે સુરક્ષાબળોએ તેને પરિસરની અંદર નમાજ પઢતાં રોકવાની કોશિશ કરી તો તેણે નારાબાજી શરૂ કરી દીધી હતી.
તેની બૅગમાં કાજુ અને કિસમિસ હતાં અને તે અજમેર જવા માગતો હતો એવું તેણે કહ્યું હતું. તપાસ-એજન્સી એ જાણવાની કોશિશ કરી રહી છે કે તે અયોધ્યા કેમ આવ્યો, કોના કહેવા પર આવ્યો અને મંદિર-પરિસરમાં નમાજ પઢવા પાછળ તેની મંશા શું હતી?
ADVERTISEMENT
શોપિયાંમાં આવેલા તેના ઘરે કાશ્મીર પોલીસે તપાસ કરતાં તેના દીકરા ઇમરાન શેખે કહ્યું હતું કે તેના પિતા પાંચ-છ દિવસ પહેલાં નીકળ્યા હતા અને પરિવારને કંઈ ખબર નથી કે તેઓ અયોધ્યા કેમ ગયા અને ત્યાં શું કર્યું?


