કૉન્ગ્રેસ પક્ષે પ્રમુખની ચૂંટણી માટે જાહેર કર્યા નિયમો

શેરડીનો સ્વાદ : પ્રમુખપદની ચૂંટણીની ધમાલ દરમ્યાન ‘ભારત જોડો યાત્રા’માં કર્ણાટકના શ્રીરંગપટનામાં શેરડીનો સ્વાદ માણતા કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી.
કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે ૧૭ ઑક્ટોબરે ચૂંટણી થશે. દરમ્યાન ખડગેએ એવું કહ્યું હતું કે તેઓ ચૂંટણી થાય એવું ઇચ્છતા નહોતા. દરમ્યાન કૉન્ગ્રેસ પાર્ટીએ ગઈ કાલે ચૂંટણી સંબંધી ગાઇડલાઇન બહાર પાડી હતી. પાર્ટીએ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને એવો આદેશ આપ્યો હતો કે કોઈ પણ ઉમેદવાર સામે કોઈ ખરાબ અભિયાન ચલાવવામાં ન આવે, કારણ કે એનાથી પક્ષની છબિને જ નુકસાન પહોંચશે.
મલ્લિકાર્જુન ખડગેને કૉન્ગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગણી શકાય, કારણ કે તેમને ગાંધી પરિવારનું સમર્થન છે. વળી તાજેતરમાં જ તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ શશી થરૂરે પાર્ટીના નેતાઓને એવું આહ્વાન કર્યું હતું કે જો જૂની કૉન્ગ્રેસ જોઈએ તો ખડગે અને બદલાવ જોઈતો હશે તો મને મત આપજો. દરમ્યાન કૉન્ગ્રેસ પાર્ટીના હોદ્દેદારોએ કહ્યું હતું કે તેઓ ખડગે અથવા થરૂર પૈકી કોઈને પણ મત આપી શકે છે. આ બન્ને પ્રચાર માટે રાજ્યોનો પ્રવાસ કરશે ત્યારે તેમને બેઠક માટે હૉલ, ખુરશી તેમ જ અન્ય સાધનો આપી શકે છે.

