તપાસ માટે કેન્દ્રીય ટીમો પહોંચી ગામમાં : ગામનો એક કૂવો સીલ
ઘટનાસ્થળ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બડાલ ગામમાં ડિસેમ્બર મહિનાથી ગઈ કાલ સુધીના દોઢ મહિનામાં એક જ ખાનદાનમાં ૧૭ લોકોનાં રહસ્યમય મોત થયાં છે. રવિવારે જમ્મુની હૉસ્પિટલમાં મોહમ્મદ અસલમની ૧૬ વર્ષની દીકરી યાસ્મિન અખ્તર જાન કૌસરનું મૃત્યુ થયું હતું. મોહમ્મદ અસલમે એક અઠવાડિયાના સમયગાળામાં ચાર દીકરી અને બે દીકરા, મામા અને માસીને ગુમાવ્યાં છે. આ રહસ્યમય મોતની તપાસ માટે દિલ્હીથી ઇન્ટર મિનિસ્ટરિયલ ટીમ રાજૌરી પહોંચી છે. ગામમાં આવેલી દિલ્હીની ટીમે ૩૦૦૦ લોકોના ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કર્યું હતું. પાણી, ભોજન અને અન્ય સામગ્રીનાં સૅમ્પલો લીધાં છે. ગામમાં એક કૂવામાં પાણીની તપાસ બાદ એમાં ન્યુરોટૉક્સિન મળતાં એને સીલ કરી દેવામાં આવ્યો છે. ગામના લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.