શુક્રવારે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓને નવાજવામાં આવશે
મહાકુંભ ડાયરી
મહાકુંભમાં મોદી અને યોગીનાં કટઆઉટ સાથે સેલ્ફી લેતા લોકો.
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં શુક્રવારે ૨૪ જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે અખિલ ભારતીય દંડી સ્વામી સમાજ અને અખિલ ભારતીય સનાતન ધર્મ સંસદ વતી સનાતન રત્ન સન્માન આપવામાં આવશે અને આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ આ સન્માન એનાયત થશે. આ સન્માન તેમને આપવામાં આવશે જેમણે કળા, સંસ્કૃતિ, પરોપકાર, હિન્દુત્વ દર્શન, પર્યાવરણ, હરિત ક્રાન્તિ સહિત અલગ-અલગ વિષયોમાં અનોખું કામ કર્યું છે.
બલદેવ દાસ બિરલાએ દેશમાં અનેક બિરલા મંદિર બનાવ્યાં છે, ઘનશ્યામદાસ બિરલા પરિવારને સન્માનિત કરાશે. હિન્દુજા ફાઉન્ડેશને નદીઓના સંરક્ષણ માટે કામ કર્યું છે, આ અશોક હિન્દુજાના પિતા પરમાનંદ હિન્દુજાની પહેલ છે, તેમને પણ સન્માનિત કરાશે.
ADVERTISEMENT
ડાયમન્ડના મોટા વેપારી દિલીપ કુમાર લાખીએ સોમનાથ, કાશી વિશ્વનાથ અને રામ મંદિરમાં મોટા પાયે સુવર્ણનું દાન કર્યું છે, તેમને સન્માનિત કરાશે. રામ મંદિરમાં મોટું ડોનેશન આપનારા ગોવિંદભાઈ ધોળકિયાનું પણ સન્માન કરવામાં આવશે.
આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક આનંદ શંકરના ભત્રીજા પ્રવીણ શંકર, મહારાજા ગજ સિંહ, મહારાજા પદ્મનાથ સિંહ, રાજમાતા દિયા કુમારી, પર્યાવરણ ક્ષેત્રે કામ કરનારા ચિદાનંદ મુનિ અને સ્વામી રામદેવ વગેરેને સન્માનિત કરવામાં આવશે.
હવન કરેંગે...હવન કરેંગે...
ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમ તટ પર શૈવપંથી અખાડાઓના મહામંડલેશ્વર આચાર્યોએ હવન કર્યો હતો.
દૈવી સાંનિધ્યમાં સંગમ તટે ભક્તિ
ગઈ કાલે મહાકુંભમાં સંગમ તટ પર કરોડો રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવેલાં ૧૨ જ્યોતિર્લિંગના સાંનિધ્યમાં પૂજાવિધિ કરતા ભક્તો.
યોગી આદિત્યનાથે લીધા શંકરાચાર્યોના આશીર્વાદ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં શંકરાચાર્યો સહિત વિવિધ સાધુ-સંતોની શિબિરમાં જઈને તેમને આપવામાં આવતી સુવિધાની સમીક્ષા કરી હતી. સંતો સાથે ચર્ચા કરીને તેમની શિબિરોની અડચણોને તાત્કાલિક દૂર કરવાના આદેશ આપ્યા હતા. યોગી આદિત્યનાથે શંકરાચાર્યોના મહાકુંભમાં સામેલ થવાની બાબતને સુખદ ગણાવીને તેમણે શંકરાચાર્યોના આશીર્વાદ પણ લીધા હતા.