ચૂંટણીનાં પરિણામો પહેલાં શરણાગતિ સ્વીકારી લો, નહીંતર બક્ષવામાં નહીં આવે
રવિવારે નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળનાં ૪ શહેરમાં ૪ રૅલી કરી હતી. જોકે વચ્ચે ઝારગ્રામમાં તેમણે લોકો સાથે ઝાલમુરીનો આનંદ લીધો હતો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. બાંકુરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતાં વડા પ્રધાને TMCના ગુંડાઓ અને સિન્ડિકેટને અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો પહેલાં જ તેઓ શરણાગતિ સ્વીકારી લે, અન્યથા તેમને બક્ષવામાં આવશે નહીં.
સંસદમાં મહિલા અનામત બિલનો વિરોધ કરીને TMCએ દેશ અને બંગાળની મહિલાઓ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે એ વાત યાદ દેવડાવીને વડા પ્રધાને મમતા બૅનરજીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘આ એ જ TMC છે જે ઘૂસણખોરોના ફાયદા માટે વારંવાર કાયદાઓ તોડે છે અને બંધારણની ભાવના વિરુદ્ધ જઈને ધર્મઆધારિત અનામતને પ્રોત્સાહન આપી રહી છે.’
વધુમાં વડા પ્રધાને આરોપ લગાવ્યો હતો કે કૉન્ગ્રેસ અને TMCએ મળીને મહિલાઓને ૩૩ ટકા અનામતથી વંચિત રાખવાનું કાવતરું ઘડ્યું છે, જે બદલ જનતા તેમને ચૂંટણીમાં સખત સજા આપશે.
બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ અપનાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘TMCના નેતાઓની ધમકીભરી ભાષા અને તેમનો ફફડાટ એ સાબિત કરે છે કે તેઓ હાર ભાળી ગયા છે. હું TMCના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટ તત્ત્વોને છેલ્લી તક આપી રહ્યો છું. ૨૯ એપ્રિલ પહેલાં તમારા નજીકના પોલીસ-સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લો. ૪ મે પછી (પરિણામો બાદ) કોઈને છોડવામાં આવશે નહીં. બિષ્ણુપુરના માફિયા અને TMCની સિન્ડિકેટ સાંભળી લે, હવે આ અત્યાચાર સહન કરવામાં આવશે નહીં.’
ADVERTISEMENT
ઝાલમુરીવાળાએ પૂછ્યું, ‘પ્યાઝ ખાતે હૈં?’ ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હાં, ખાતે હૈં... દિમાગ નહીં ખાતે હૈં બસ.’
રવિવારે નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળનાં ૪ શહેરમાં ૪ રૅલી કરી હતી. જોકે વચ્ચે ઝારગ્રામમાં તેમણે લોકો સાથે ઝાલમુરીનો આનંદ લીધો હતો. કુરતા પર લાલ રંગના કમળવાળો સ્ટૉલ ઓઢીને નરેન્દ્ર મોદી રૅલી પછી ઝાલમુરીની દુકાન પર પહોંચ્યા હતા અને કાગળની પુડી સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ ઝાલમુરીનો આનંદ લીધો.’
પ્રોટોકૉલ તોડીને નાની દુકાન પર પહોંચેલા નરેન્દ્ર મોદીએ ૧૦ રૂપિયા આપીને દુકાનદારને ઝાલમુરી આપવા કહ્યું હતું. દુકાનદારે નરેન્દ્ર મોદીને પૂછ્યું, ‘ક્યા આપ પ્યાઝ ખાતે હૈં?’ ત્યારે તેમણે હસતાં-હસતાં કહેલું, ‘હાં, પ્યાઝ ખાતે હૈં... દિમાગ નહીં ખાતે હૈં બસ...’
