૪૦ મહિનાથી જર્મનીના બાળઉછેર કેન્દ્રમાં અટકેલી ગુજરાતી બાળકી અરિહા શાહ માટે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જર્મન ચાન્સેલરને કરી ભલામણ : ભારતના વિદેશમંત્રાલયે કહ્યું કે હવે અમે જર્મન સરકાર સાથે ફૉલોઅપ કરીને શાહપરિવારને દરેક ડગલે મદદ કરીશું
અરિહા તેનાં મમ્મી-પપ્પા ધરા અને ભાવેશ શાહ સાથે. ગઈ કાલે અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે નરેન્દ્ર મોદી.
અમદાવાદ અને ગાંધીનગરમાં ભારત-જર્મની વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમય કાઢીને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે બેબી અરિહાની વાત પણ કરી હતી. આ મામલે ભારતના વિદેશમંત્રાલયે કહ્યું હતું કે ‘ભારતની દીકરી અરિહા શાહ ૪૦ મહિનાથી જર્મનીના બાળઉછેર કેન્દ્રમાં છે. અમે ઘણા સમયથી જર્મન સરકાર અને તમામ જર્મન અધિકારીઓ, દિલ્હીમાં તેમની એમ્બેસી અને તમામ એજન્સીઓ સાથે આ વિશે વાતચીત કરી રહ્યા છીએ. આ કેસ એક સમયે કાનૂની મામલો હતો, પણ અમારું માનવું છે કે આખરે એમાં સામેલ માનવીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એને સુલઝાવી શકાય એમ છે. અમે પરિવારની પરેશાની અને મુશ્કેલીઓ સમજીએ છીએ અને બનતી તમામ મદદ કરવાની કોશિશ કરીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરીએ છીએ કે બેબી અરિહાનો ઉછેર ભારતીય માહોલમાં થાય, પછી એ ભારતીય લોકોને હળવા-મળવાનું હોય કે પછી જર્મનીમાં મનાવાતા ભારતીય તહેવારોમાં ભાગ લેવાની વાત હોય. અમે તેને હિન્દી શીખવવાની વ્યવસ્થા પણ કરવા માગીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાન્સેલરને આ બાબતે વાત કરી છે એટલે અમે હવે જર્મન સરકાર સાથે ફૉલોઅપ કરતા રહીશું.’
શું છે બેબી અરિહાનો મામલો?
ADVERTISEMENT
અરિહા શાહ ભારતીય યુગલ ભાવેશ શાહ અને ધરા શાહની દીકરી છે. ભાવેશ શાહ સૉફ્ટવેર એન્જિનિયર છે અને ૨૦૧૮માં જર્મનીમાં સારી નોકરી મળવાથી પત્ની ધરા સાથે બર્લિન જતા રહ્યા હતા. બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું અને ૨૦૨૧માં દીકરી અરિહાનો જન્મ થયો હતો. જન્મના ૭ મહિના પછી એક દિવસ તેનાં દાદી તેને ખોળામાં બેસાડીને રમાડી રહ્યાં હતાં અને બાળકીને થોડુંક વાગી ગયું. ડાઇપર બદલતી વખતે લોહી દેખાતાં માતા-પિતા બાળકીને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. તેમને હતું કે ડૉક્ટર દીકરીનો ઇલાજ કરશે, પણ ત્યાં જ તેમની જિંદગી ઉલટપુલટ થઈ ગઈ. ડૉક્ટરોને લાગ્યું કે દીકરી સાથે શારીરિક જુલમ થયો છે એટલે ચાઇલ્ડલાઇન સર્વિસે દીકરીને પોતાના કબજામાં લઈ લીધી અને માતા-પિતાની લાપરવાહી ગણીને તેમના પેરન્ટિંગ રાઇટ્સ ખતમ કરી દેવામાં આવ્યા. એ પછીથી ભાવેશ-ધરા દીકરીની કસ્ટડી માટે લડી રહ્યાં છે.


