સરકાર બનાવવા માટે જરૂરી ૧૬ બેઠકો આસાનીથી મેળવી લીધી: મુખ્ય પ્રધાન રંગાસ્વામી અને પી. રાજવેલુ બન્નેની તોતિંગ માર્જિન સાથે જીત
પ્રતીકાત્મક તસવીર
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં વિધાનસભાની ૩૦ બેઠકો પર ચૂંટણી થઈ હતી. સરકાર બનાવવા માટે ૧૬ બેઠકો પર જીતની જરૂર હતી જેમાં BJPના ગઠબંધન નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ સરકાર બનાવવા માટે જરૂરી ૧૬ બેઠકોનો મૅજિક નંબર આસાનીથી મેળવી લીધો હતો. BJPની સહયોગી પાર્ટી ઑલ ઇન્ડિયા N. R. કૉન્ગ્રેસ (AINRC)ના એન. રંગાસ્વામીના નેતૃત્વમાં બીજી વાર NDAની સરકાર બનશે. NDAને ૧૮ બેઠકો પર જીત મળી હતી, જ્યારે કૉન્ગ્રેસ અને સહયોગી પાર્ટીને ૬ અને અન્યને ૬ બેઠકો મળી હતી.
અહીં સૌથી મોટી બે બેઠકો હતી : થાટ્ટાંચવડી અને નેટ્ટાપક્કમ. થાટ્ટાંચવડીમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર એન. રંગાસ્વામીએ ૧૦,૦૨૪ વોટ મેળવીને ૪૪૪૧ મતના ભારે અંતરથી જીત મેળવી લીધી હતી. નેટ્ટાપક્કમની બેઠક પર પી. રાજવેલુએ ૧૩,૬૬૫ મત મેળવ્યા હતા અને ૬૬૮૯ વોટના માર્જિનથી કેન્દ્રશાસિત પ્રદેશની સૌથી મોટી જીત નોંધાવી હતી.
