નેપાલના વડા પ્રધાન બાલેન શાહના આ નિવેદન પર તેમના જ દેશના ભૂતપૂર્વ નેતાઓએ વાંધો ઉઠાવ્યો
બાલેન શાહ
નેપાલના વડા પ્રધાન બાલેન શાહે નેપાલની સંસદને સંબોધતાં કહ્યું હતું કે માત્ર ભારતે નેપાલી જમીન પર કબજો કર્યો નથી, પરંતુ નેપાલે કેટલાક ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે.
વડા પ્રધાન બન્યાના બે મહિના પછી પહેલી વાર નેપાલી સંસદને સંબોધનમાં એક પ્રશ્નના જવાબમાં બાલેન શાહે કહ્યું હતું કે ‘આ મુદ્દે મને વડા પ્રધાન બન્યા પછી ખબર પડી. બન્ને દેશોએ આ મામલાની સંયુક્ત રીતે તપાસ કરવી જોઈએ.’
લિપુલેખ અને લિમ્પિયાધુરા માર્ગો દ્વારા ભારત-ચીન વેપાર વિશે બોલતાં બાલેન શાહે જણાવ્યું હતું કે ‘આ વિવાદ રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. નેપાલે આ મુદ્દે ભારતને રાજદ્વારી નોંધ મોકલી દીધી છે અને ભારત તરફથી એનો જવાબ મળ્યો છે. લિપુલેખ વિવાદ બ્રિટિશ ભારતના સમયનો છે. તેથી નેપાલે આ બાબતે માત્ર ભારત અને ચીન સાથે જ નહીં, બ્રિટન સાથે પણ વાતચીત કરી છે.’
ADVERTISEMENT
નેપાલના વિદેશસંબંધોના વિશેષજ્ઞ સુખદેવ મુનિએ કહ્યું હતું, ‘બાલેન શાહને અભિનંદન આપવા જોઈએ કે તેમણે પૂરી હિંમતથી આ વાતનો સ્વીકાર કર્યો કે ભારત-નેપાલ સીમા વિવાદ એકતરફી નથી. નદીનો પ્રવાહ બદલવાને કારણે નેપાલના સુસ્તા ક્ષેત્રમાં ભારતની જમીન પર નેપાલનો કબજો છે, જોકે આ મુદ્દાને ઇન્ટરનૅશનલ સ્તરે ઉઠાવવાથી અવળી અસર થશે.’
માનસરોવર યાત્રા સામે વાંધો
બાલેન શાહ પ્રશાસને લિપુલેખ પાસ દ્વારા કૈલાસ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાના ભારત અને ચીનના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. નેપાલના વિદેશ મંત્રાલયે મક્કમ વલણ અપનાવ્યું હતું અને પુનરાવર્તિત કર્યું હતું કે ૧૮૧૬ની સુગૌલી સંધિ અનુસાર લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા નેપાલનાં અભિન્ન અંગ છે.
