ભારતમાં થતા વધુ પડતા કૉલેસ્ટરોલને કારણે થતા હાર્ટ-અટૅકના કેસ આ ડ્યુઅલ થેરપીથી ઘટાડી શકાય છે
આ છે એ બે દવા
અત્યાર સુધી જેમનું કૉલેસ્ટરોલ વધારે હોય તેમને સ્ટૅટિન્સ નામની દવા આપવામાં આવે છે. જોકે એમાં અઝેટિમિબ નામની ડ્રગનું કૉમ્બિનેશન આપવામાં આવે તો એનાથી હાર્ટ-અટૅકને કારણે થતાં મૃત્યુમાં ચોક્કસ ઘટાડો થઈ શકે છે. સામાન્ય રીતે ડૉક્ટરો પહેલાં સ્ટૅટિન નામની દવા આપતા હોય છે અને જો એનાથી કૉલેસ્ટરોલ ન ઘટે તો અઝેટિમિબ દવા આપે છે. જોકે અમેરિકા અને બ્રિટનમાં અલગ-અલગ કુલ ૧૪ અભ્યાસ અંતર્ગત લગભગ ૧,૦૮,૩૫૩ દરદીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દરદીઓને હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું બહુ ઊંચું જોખમ હતું. સંશોધકોએ નોંધ્યું છે કે સ્ટૅટિન અને અઝેટિમિબ નામની દવાઓનું સંયોજન આપવામાં આવે તો એનાથી ઓવરઑલ હાર્ટ-અટૅકનું જોખમ ૧૯ ટકા જેટલું ઘટી જાય છે. આ બન્ને દવા શરીરમાં જમા થતા લો-ડેન્સિટી લિપો પ્રોટીન (LDL) એટલે કે ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડવાનું કામ કરે છે.
ભારતમાં થતા વધુ પડતા કૉલેસ્ટરોલને કારણે થતા હાર્ટ-અટૅકના કેસ આ ડ્યુઅલ થેરપીથી ઘટાડી શકાય છે અને અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે એનાથી ભારતમાં દર વર્ષે ૩.૩ લાખ મૃત્યુ નિવારી શકાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
આ કૉમ્બિનેશન કઈ રીતે અસરકારક છે?
સ્ટૅટિન નામની દવાથી લિવરમાં ખરાબ કૉલેસ્ટરોલ જમા થવાની કે પેદા થવાની સંભાવનાઓ ઘટે છે. જ્યારે અઝેટિમિબ નામની દવા આંતરડામાંથી જ ખરાબ કૉલેસ્ટરોલનું શોષણ થઈને શરીરમાં ભળવાની પ્રક્રિયાને અવરોધે છે. આ બન્ને દવાઓ સાથે આપવામાં આવે છે ત્યારે લોહીમાં કૉલેસ્ટરોલ જમા થવાની સંભાવનાઓ ઘટી જાય છે.

