છત્તીસગઢમાં કૉન્ગ્રેસના ગઢને માત આપનારા બિહારના આ નેતા પાર્ટીના સૌથી યુવા અધ્યક્ષોમાંના એક છે
BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ નીતિન નબીનને શુભેચ્છા આપતા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર.
રાજનીતિમાં ચોંકાવનારા નિર્ણયો લેવા માટે જાણીતી BJP ફરી એક વાર મોટો દાવ રમી છે. બિહારના કદાવર નેતા અને છત્તીસગઢમાં કૉન્ગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરનારા ૪૫ વર્ષના નીતિન નબીનને ગઈ કાલે BJPએ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની મજબૂત મનાતી સરકારને ઉખાડી ફેંકવામાં નીતિન નબીનની ચાણક્યનીતિએ કામ કર્યું હતું એવું મનાય છે. નીતિન BJPના સૌથી યુવા અધ્યક્ષોમાંના એક છે. યુવાન હોવા ઉપરાંત તેમની પાસે શાસન ચલાવવાનો, જનતાની સેવા કરવાનો અને સંગઠન માટે કામ કરવાનો વ્યાપક અનુભવ છે.
તેઓ હાલમાં નીતીશ કુમારના નેતૃત્વવાળી NDA સરકારમાં રોડનિર્માણ ખાતાના પ્રધાન છે. ૨૦૦૬માં પેટાચૂંટણી જીત્યા પછી નીતિન નબીન લગાતાર પાંચ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૨૦૨૫ની ચૂંટણીમાં તેમણે RJDનાં ઉમેદવાર રેખા કુમારીને ૪૬,૩૦૮ મતથી હરાવ્યાં હતાં. તેઓ BJPના નેતા નબીન કિશોર પ્રસાદના દીકરા છે. વિવાદોથી દૂર રહીને ક્લીન ઇમેજ ધરાવતા નીતિન નબીન કાયસ્થ સમુદાયના છે અને શહેરી વોટ-બૅન્ક પર સારી પકડ ધરાવે છે.
ADVERTISEMENT
ગઈ કાલે BJPએ ઉત્તર પ્રદેશના પ્રમુખ તરીકે પંકજ ચૌધરીની નિમણૂક પણ કરી હતી. તેઓ ૭ વાર સંસદસભ્ય રહી ચૂક્યા છે અને રાજનીતિક પરિવારનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે.
નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂક થયા પછી નરેન્દ્ર મોદીએ તેમના માટે સોશ્યલ મીડિયામાં પ્રશંસા કરતાં લખ્યું હતું કે ‘નીતિન નબીને એક મહેનતુ કાર્યકર્તા તરીકે અલગ ઓળખ બનાવી છે. યુવાન અને પરિશ્રમી નેતા પાસે સંગઠનનો ઊંડો અનુભવ પણ છે. બિહારમાં અનેક વાર વિધાનસભ્ય અને પ્રધાનના રૂપમાં તેમનો રેકૉર્ડ ખૂબ શાનદાર રહ્યો છે. તેમણે જનતાની અપેક્ષાઓને પૂરી કરવા માટે ખૂબ લગનથી કામ કર્યું છે. તેઓ તેમના વિનમ્ર સ્વભાવ અને જમીન સાથે જોડાઈને કામ કરવાની શૈલી માટે જાણીતા છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની ઊર્જા અને સમર્પણ આવનારા દિવસોમાં પાટીને વધુ મજબૂત કરશે. BJPના કાર્યકારી અધ્યક્ષ બનવા પર તેમને ખૂબ-ખૂબ વધામણાં.’


