QR કોડ અને ફેસ આઇડેન્ટિફિકેશનથી થશે વેરિફિકેશન
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય ઇન્ફર્મેશન અને ઇલેક્ટ્રૉનિક્સ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે નવી આધાર ઍપના લૉન્ચિંગની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ઍપ-આધારિત આઇડેન્ટિફિકેશનની પ્રક્રિયા પહેલાંથી વધારે ઝડપી, સરળ અને સલામત બનાવશે. નવી આધાર ઍપને કારણે વપરાશકર્તાઓને હવે કોઈ પણ પ્રકારની હાર્ડ કૉપી કે આધારની ફોટોકૉપી સાથે રાખવાની જરૂર નહીં પડે. નવી ઍપથી આધાર વેરિફિકેશન હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ જેટલી આસાન થઈ જશે. હાલમાં આ ઍપ બીટા ટેસ્ટિંગમાં છે અને એને જલદી લૉન્ચ કરવામાં આવશે.
નવી આધાર ઍપને કારણે ફેસ આઇડેન્ટિફિકેશન (ID) અને QR (ક્વિક રિસ્પૉન્સ) સ્કૅનિંગથી ડિજિટલ વેરિફિકેશન થશે. આમ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP)ની જરૂર નહીં પડે.
નવી આધાર ઍપથી વપરાશકર્તાઓની અનુમતિ વિના ડેટા શૅર નહીં થાય. મતલબ કે તમારા ડેટા પર સંપૂર્ણ રીતે તમારો કન્ટ્રોલ રહેશે. હોટેલ, ઍરપોર્ટ જેવી જગ્યાએ આધાર કાર્ડની ફોટોકૉપી આપવાની જરૂર નહીં રહે. સરકારનો દાવો છે કે નવી આધાર ઍપને કારણે છેતરપિંડી અટકશે અને આધાર કાર્ડને ફોટોશૉપ કરીને એડિટ કરી શકાશે નહીં.

