૨૦૧૯માં ઓડિશામાં સિવિલ સર્વિસ ટૉપર બનીને અધિકારી બન્યો, ૨૦૨૫માં તહસીલદાર તરીકે માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો
અશ્વિનીકુમાર પાંડાના ઘરેથી ૪,૭૩,૦૦૦ રૂપિયા રોકડા અને કેટલાક દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઓડિશા વિજિલન્સે શુક્રવારે રાજ્યની સિવિલ સર્વિસ પરીક્ષાના ટૉપર અને સંબલપુર જિલ્લાના બામરાના તહસીલદાર તરીકે ફરજ બજાવતા અશ્વિનીકુમાર પાંડાની ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી હતી. તેણે ખેતીની જમીનને ઘર બનાવવાની ભૂમિમાં રૂપાંતરિત કરવા માટે ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી, પણ ફરિયાદીની વિનંતી બાદ રકમ ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા કરી હતી. આ લાંચ પાંડાના ડ્રાઇવર પી. પ્રવીણકુમારે સ્વીકારી હતી. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પાંડાના ભુવનેશ્વરના ઘરે રેઇડ પાડવામાં આવતાં ત્યાંથી ૪,૭૩,૦૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
મેકૅનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર ૩૨ વર્ષનો પાંડા ૨૦૧૯માં ઓડિશા સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ટૉપર રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૧માં તેણે જુનિયર ઓડિશા ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS)માં પ્રવેશ કર્યો હતો.

