મહિલાઓએ હેલ્પલાઇન પર ફોન કર્યો પણ રિસ્પૉન્સ ન મળ્યો
ટ્રેનના દરવાજા પર લટકીને સ્ટન્ટબાજી કરતા પુરુષની હરકત કૅમેરામાં કેદ થઈ હતી.
વિરારમાં રહેતી સંધ્યા ભોસલે નામની મુસાફરને લોકલ ટ્રેનની મુસાફરીનો કડવો અનુભવ થયો હતો. વિરાર-દાદર ટ્રેનમાં અંધેરીમાં નાઇટ કૉલેજ માટે નીકળેલી સંધ્યા ચર્ચગેટ બાજુના પહેલા લેડીઝ કોચમાં બેઠી હતી. ટ્રેન બોરીવલી સ્ટેશનથી ઊપડતાં જ ૩૦ વર્ષના એક પુરુષે મહિલા કોચમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં સફળ ન થતાં તે મુસાફર લેડીઝ કોચની બાજુના લગેજ કોચમાંથી દરવાજા પર લટકીને સ્ટન્ટબાજી કરવા લાગ્યો હતો. એટલેથી ન અટકતાં તે લેડીઝ કોચની બારી પર લટકીને ચાળા કરવા લાગ્યો હતો અને દરવાજા પર ઊભેલી ત્રણ છોકરીઓને જોઈને અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યો હતો. ૧૧ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યે બનેલા આ બનાવની ફરિયાદ કરવા માટે મહિલા મુસાફરોએ રેલવેની હેલ્પલાઇન પર ફોન કર્યા હતા, પણ હેલ્પલાઇન પર કોઈ રિસ્પૉન્સ મળ્યો નહોતો. મહિલા મુસાફર અંધેરી સ્ટેશન પર ઊતરી ગઈ હતી. આ મુસાફર માનસિક રોગી હોવાનું જાણીને તેણે મુસાફર સાથે મગજમારી કરવા કરતાં રેલવે પોલીસને ફરિયાદ કરી હતી. રેલવે પોલીસે મુસાફરને શોધવા માટે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

