સપ્ટેમ્બરમાં એ ૧.૫૪ ટકા હતો. સરકારી માહિતી અનુસાર ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં રીટેલ મોંઘવારી (છૂટક ફુગાવો)નો દર ઑક્ટોબરમાં ૧૦ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે ૦.૨૫ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં એ ૧.૫૪ ટકા હતો. સરકારી માહિતી અનુસાર ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં કરઘટાડાને કારણે રોજિંદી વસ્તુઓથી લઈને વાહનો સુધીની દરેક વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. ભારતમાં ફુગાવામાં ઘટાડો એક સકારાત્મક સંકેત છે અને સામાન્ય માણસ માટે આવકારદાયક રાહત છે.
સરકારી માહિતી અનુસાર કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI) અથવા છૂટક ફુગાવો ઑક્ટોબરમાં માત્ર ૦.૨૫ ટકા હતો. આ સપ્ટેમ્બર ૨૦૨૫ની તુલનામાં ૧૧૯ બેસિસ પૉઇન્ટ (૧.૧૯ ટકા)નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. વાર્ષિક ફુગાવાનો આ અત્યાર સુધીનો સૌથી નીચો દર છે. ખાદ્ય ફુગાવામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઑક્ટોબર ૨૦૨૫માં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ (CFPI) અથવા ખાદ્ય ફુગાવો ગયા વર્ષના ઑક્ટોબરની તુલનામાં -૫.૦૨ ટકા હતો. એ ગ્રામીણ વિસ્તારોમાં -૪.૮૫ ટકા અને શહેરી વિસ્તારોમાં -૫.૧૮ ટકા હતો. ઑક્ટોબર ૨૦૨૫માં ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બર ૨૦૨૫ની સરખામણીમાં ૨૬૯ બેસિસ પૉઇન્ટ અથવા ૨.૬૯ ટકા ઘટ્યો હતો. આ વર્તમાન CPI શ્રેણીમાં પણ સૌથી નીચું સ્તર છે.
ADVERTISEMENT
રિઝર્વ બૅન્કનો મત
જોકે અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે ક્યારેક ઓછા ફુગાવાનો દેખાવ સાચા ચિત્રને પ્રતિબિંબિત ન પણ કરે. લોકો તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઓછી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ ખરીદી રહ્યા હોઈ શકે છે અથવા તેમની કેટલીક જરૂરિયાતોને ખરીદવાનું ટાળી શકે છે. આ ઘરગથ્થુ ખર્ચની પૅટર્નમાં ફેરફાર સૂચવી શકે છે.


