દરવાજા ખૂલવા લાગ્યા ત્યારે પણ મેં કન્ટ્રોલ રૂમને કહ્યું હતું કે હું અહીં આવવા માગું છું, પછી થોડી વારમાં મારા દરવાજાની બહાર એક બંકર મૂકવામાં આવ્યું
ગેટ કૂદીને શહીદોની કબરને શ્રદ્ધાંજલિ આપી ઉમર અબદુલ્લાએ
જમ્મુ અને કાશ્મીરમાં શહીદ દિવસે થયેલા વિવાદ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સ (NC)ના નેતા ઉમર અબદુલ્લાને પ્રશાસને રોક્યા બાદ નજરકેદમાંથી છટકીને તેઓ નક્ષબંદ સાહિબના દરવાજા પરથી કૂદીને અંદર ગયા હતા અને ફાતિહા વાંચી હતી. તેમણે પ્રશાસન પર મારઝૂડનો આરોપ લગાવ્યો છે.
આ મુદ્દે ઉમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા પર આખી ઘટનાનો વિડિયો શૅર કર્યો હતો અને પોસ્ટમાં લખ્યું હતું કે ‘૧૯૩૧ની ૧૩ જુલાઈના શહીદોની કબરને શ્રદ્ધાંજલિ આપીને ફાતિહા વાંચી. બિનચૂંટાયેલી સરકારે મારો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો અને મને નૌહટ્ટા ચોકમાંથી પસાર થવા માટે મજબૂર કર્યો હતો. તેમણે નક્ષબંદ સાહિબની દરગાહનો દરવાજો બંધ કરી દીધો અને મને દીવાલ કૂદવાની ફરજ પાડી હતી. તેમણે મારી ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. દુ:ખની વાત છે કે જે લોકો પોતે દાવો કરે છે કે તેમની જવાબદારી ફક્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની છે, પરંતુ અમને અહીં આવીને ફાતિહા વાંચવાની મંજૂરી આપવામાં આવી નહોતી. બધાને તેમના ઘરમાં બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે દરવાજા ખૂલવા લાગ્યા ત્યારે પણ મેં કન્ટ્રોલ રૂમને કહ્યું હતું કે હું અહીં આવવા માગું છું, પછી થોડી વારમાં મારા દરવાજાની બહાર એક બંકર મૂકવામાં આવ્યું. રાતે ૧૨-૧ વાગ્યા સુધી એને હટાવવામાં નહોતું આવ્યું. હું કહ્યા વિના કારમાં બેસી ગયો અને દરગાહ પહોંચ્યો હતો. અમે કોઈના ગુલામ નથી. જો ગુલામ છીએ તો અમે અહીંના લોકોના ગુલામ છીએ.’
ADVERTISEMENT
શું છે શહીદ દિવસ?
૧૩ જુલાઈને જમ્મુ અને કાશ્મીરમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૧૯૩૧માં ડોગરા શાસન સામે વિરોધ થયો હતો અને એમાં બાવીસ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી. તેમની યાદમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે. ઉમર અબદુલ્લાએ ૧૯૩૧ની ૧૩ જુલાઈની ઘટનાની સરખામણી જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે શરમજનક છે કે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા વાસ્તવિક નાયકોને આજે ખલનાયક તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

