કબ્રસ્તાન કુલ વક્ફ સંપત્તિના ભાગ ૧૭.૩ ટકા ભાગમાં છે. કૃષિભૂમિનો ૧૬ ટકા અને મસ્જિદનો ૧૪ ટકા ભાગ છે.
પ્રતીકાત્મક તસવીર
સંસદે હાલમાં વક્ફ સંશોધન બિલને લોકસભા અને રાજ્યસભા બન્નેમાં બહુમતીથી પસાર કરી દીધું છે. લઘુમતી કાર્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કુલ ૮.૮ લાખ વક્ફ સંપત્તિઓમાંથી ૭૩,૦૦૦થી વધુ સંપત્તિ વિવાદમાં ઘેરાયેલી છે. નવા બિલના અમલીકરણથી આ સંપત્તિઓ પર સીધી અસર પડી શકે છે.
દેશમાં વક્ફની કુલ ૮.૮ લાખ સંપત્તિ વક્ફ સંપત્તિ તરીકે નોંધાયેલી છે, જેમાં ઉત્તર પ્રદેશ ૨.૪ લાખ સંપત્તિઓ સાથે સૌથી આગળ છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં ૮૦,૪૮૦, પંજાબમાં ૭૫,૫૧૧, તામિલનાડુમાં ૬૬,૦૯૨ અને કર્ણાટકમાં ૬૫,૨૪૨ સંપત્તિ નોંધાયેલી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જ એવાં રાજ્યો છે જેની પાસે અલગ-અલગ સુન્ની અને શિયા વક્ફ બોર્ડ છે. બાકી રાજ્યોમાં એકીકૃત વક્ફ બોર્ડ છે. આ સંપત્તિઓમાંથી આશરે ૬.૨ લાખ સંપત્તિ કબ્રસ્તાન, કૃષિભૂમિ, મસ્જિદ, દુકાન અથવા આવાસીય ઘર છે. કબ્રસ્તાન કુલ વક્ફ સંપત્તિના ભાગ ૧૭.૩ ટકા ભાગમાં છે. કૃષિભૂમિનો ૧૬ ટકા અને મસ્જિદનો ૧૪ ટકા ભાગ છે.
ADVERTISEMENT
વિવાદિત વક્ફ સંપત્તિઓમાં ત્રણ મુખ્ય શ્રેણી છે. – અતિક્રમિત, વિવાદિત અને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવેલી. સૌથી વધારે વિવાદિત વક્ફ સંપત્તિ પંજાબમાં છે, જ્યાં કુલ ૭૫,૫૧૧ સંપત્તિમાંથી ૪૫,૦૦૦ને અતિક્રમિત માનવામાં આવી છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં ૩૭૪૨ અને ઉત્તર પ્રદેશમાં ૩૦૪૪ સંપત્તિ વિવાદિત વક્ફ સંપત્તિ છે.

