મન ફાવે ત્યાં ઠંડક જોઈતી હોય તો વિન્ડો અને સ્પ્લિટ AC કરતાં હરતા-ફરતા પોર્ટેબલ ACને ઘરમાં વસાવી લો
પ્રતીકાત્મક તસવીર
એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉપર જઈ રહ્યો છેત્યારે ઠંડક મેળવવા ઍર-કન્ડિશનર (AC)ની ડિમાન્ડ આ સીઝનમાં વધે જ છે, પણ આ વખતે સ્પ્લિટ અને વિન્ડો AC નહીં પોર્ટેબલ ઍર-કન્ડિશનર ટ્રેન્ડમાં છે. વિન્ડો AC બારીમાં લાગે છે ત્યારે સ્પ્લિટ ACનું ઇન્ડોર યુનિટ ઘરમાં અને આઉટડોર યુનિટ ઘરની બહાર અસેમ્બલ કરવામાં આવે છે, પણ પોર્ટેબલ ACનો કન્સેપ્ટ આ બન્ને AC કરતાં તદ્દન જુદો છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. પોર્ટેબલ AC બીજા AC કરતાં સાઇઝમાં નાનું હોય છે અને એને ઇન્સ્ટૉલ કરાવવાની મગજમારી હોતી નથી. સામાન્યપણે એ માર્કેટમાં એક ટન સુધીનું મળે છે એટલે કે જેને ૧૦૦થી ૧૫૦ સ્ક્વેર ફીટની રૂમમાં ઠંડક જોઈતી હોય તો આ AC પર્ફેક્ટ ચૉઇસ છે.
ADVERTISEMENT
ધ્યાન ફક્ત એટલું રાખવાનું હોય છે કે એ જ્યારે ગરમ હવાને ખેંચીને ઠંડી હવા આપે છે એ દરમિયાન ગરમ હવાને રૂમની બહાર નીકળવાનો રસ્તો આપવો પડે છે. એટલે કે આ AC એવી જગ્યા પર સારી રીતે કામ કરે છે જ્યાં નાની વિન્ડો હોય. આ ઉપરાંત એ સ્પ્લિટ AC કરતાં ઓછી ઠંડક આપે છે. પોર્ટેબલ AC ઑનલાઇન ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મમાં સરળતાથી મળી જશે, પણ તમારે એના માટે બજેટ થોડું હાઈ રાખવું પડશે. સ્ટાર્ટિંગ પ્રાઇસ જ ૩૦,૦૦૦ છે અને તમને જો એમાં સારી ક્વૉલિટીનું AC જોઈએ તો બજેટ ૫૦,૦૦૦ સુધી પણ જતું રહે. કોઈને આઉટડોર ફરવા અથવા કૅમ્પિંગ કરવા જવું હોય અને AC વગર રહી ન શકાય એવું હોય તો આઉટડોર AC પણ આવે છે. એ બૅટરીથી ચાલે છે. નાનકડા ટેન્ટમાં કુદરતના ખોળે બેસીને ACની હવામાં ચિલ કરી શકાય એવા ACની કિંમત ૬૪,૦૦૦ જેટલી છે. મિડલ ક્લાસ લોકોના બજેટની બહારની આ પ્રોડક્ટ છે પણ એને જોઈ અને જાણીને એવું તો થાય કે મારી પાસે પણ આ પોર્ટેબલ AC હોય.

