Pawanraje Nimbalkar Murder Case: મહારાષ્ટ્રના અગ્રણી કોંગ્રેસ નેતા પવનરાજે નિંબાળકરની ૨૦૦૬માં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં મુખ્ય આરોપી અને તેમના પિતરાઈ ભાઈ, પૂર્વ એનસીપી સાંસદ પદ્મસિંહ પાટીલ સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ની એક વિશેષ સીબીઆઈ (CBI) અદાલતે શનિવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના અગ્રણી કોંગ્રેસ (Congress) નેતા પવનરાજે નિંબાળકર (Pawanraje Nimbalkar)ની ૨૦૦૬માં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં મુખ્ય આરોપી અને તેમના પિતરાઈ ભાઈ, પૂર્વ એનસીપી (NCP) સાંસદ પદ્મસિંહ પાટીલ (Padamsinh Patil) સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગભગ ૨૦ વર્ષ સુધી ચાલેલા આ લાંબા મુકદ્દમા દરમિયાન અદાલતે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે (Anna Hazare) સહિત ૧૨૮ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા.
સીબીઆઈનો આરોપ હતો કે, રાજકીય અદાવત અને ખાંડ મિલના મેનેજમેન્ટને લઈને ચાલી રહેલા વિવાદના કારણે રુપિયા ૩૦ લાખની સોપારી આપીને આ બેવડી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, બે દાયકાની કાનૂની લડાઈ બાદ અદાલતે તમામ આરોપીઓને દોષમુક્ત કર્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પવનરાજે નિંબાળકર અને તેમના ડ્રાઈવર સમદ કાઝી ૩ જૂન, ૨૦૦૬ના રોજ મુંબઈથી ઉસ્માનાબાદ (હવે ધારાશિવ) જઈ રહ્યા હતા, ત્યારે નવી મુંબઈ (Navi Mumbai)ના કળંબોલી (Kalamboli) ખાતે બે હુમલાખોરોએ તેમની કાર રોકીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત (Pawanraje Nimbalkar Murder Case) નીપજ્યું હતું.
કોની કોની સામે ચાલ્યો હતો હત્યાનો મુકદ્દમો?
નિંબાળકરના પિતરાઈ ભાઈ અને પૂર્વ એનસીપી સાંસદ પદ્મસિંહ પાટીલ એ લોકોમાં સામેલ હતા જેમની સામે હત્યાનો કેસ ચાલ્યો હતો. પાટીલ (જેઓ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને વર્તમાન ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારના સાવકા ભાઈ છે) ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓમાં લાતુરના ઉદ્યોગપતિ સતીશ મંડાદે, પૂર્વ ભાજપ કાઉન્સિલર અને નિવૃત્ત રાજ્ય આબકારી નિરીક્ષક મોહન શુક્લા, પારસમલ જૈન, પૂર્વ આબકારી નિરીક્ષક શશિકાંત કુલકર્ણી, બસપા કાર્યકર્તા કૈલાશ યાદવ અને કથિત શૂટર્સ દિનેશ તિવારી, પિન્ટુ સિંહ અને છોટે પાંડે સામેલ હતા.
વર્ષ ૨૦૦૯માં, સીબીઆઈએ પદ્મસિંહ પાટીલને આ હત્યાના મુખ્ય આરોપી અને કથિત કાવતરાખોર ગણાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ કાવતરું રાજકીય અદાવતથી પ્રેરિત હતું.
તપાસકર્તાઓનો આરોપ હતો કે પાટીલ માનતા હતા કે નિંબાળકરની વધતી જતી લોકપ્રિયતા ઉસ્માનાબાદ જિલ્લામાં તેમના રાજકીય વર્ચસ્વ માટે જોખમરૂપ હતી અને તેથી જ તેમને રસ્તામાંથી હટાવવા માટે રુપિયા ૩૦ લાખનો કોન્ટ્રાક્ટ (સોપારી) આપવામાં આવ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે નિંબાળકર દ્વારા તેરણા શુગર ફેક્ટરીના મેનેજમેન્ટનો કરવામાં આવી રહેલો વિરોધ આ કાવતરાનું મુખ્ય કારણ હતો.
સીબીઆઈ તપાસ
નવી મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસથી સંતુષ્ટ ન હોવાના કારણે, નિંબાળકરના પરિવારે સ્વતંત્ર તપાસની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી હતી.
૨૦ વર્ષ અને ૧૨૮ સાક્ષીઓ
આ કેસમાં ચુકાદો આવવામાં ૨૦ વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. મુકદ્દમાની સુનાવણી જુલાઈ ૨૦૧૧માં શરૂ થઈ હતી, જે દરમિયાન વિશેષ અદાલતે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અન્ના હઝારે સહિત ૧૨૮ સાક્ષીઓની પૂછપરછ કરી હતી.
આ કેસમાં અન્ના હઝારેનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે આરોપી પારસમલ જૈને કબૂલાત કરી કે પાટીલે નિંબાળકરની સાથે હઝારેને પણ ખતમ કરવાની સોપારી આપી હતી. અન્ના હઝારેએ કોર્ટમાં જુબાની આપી હતી કે તેમને પદ્મસિંહ પાટીલ તરફથી ધમકીઓ મળી હતી.
આ કેસની સુનાવણી એડિશનલ સેશન જજ સત્યનારાયણ નવંદરની અધ્યક્ષતાવાળી વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ થઈ હતી.
પવનરાજે નિંબાળકર કોણ હતા?
પવનરાજે નિંબાળકર ઉસ્માનાબાદ જિલ્લાના એક અગ્રણી કોંગ્રેસ નેતા હતા. તેઓ આ વિસ્તારમાં એક લોકપ્રિય રાજકીય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા અને તે સમયના વરિષ્ઠ એનસીપી નેતા પદ્મસિંહ પાટીલના વર્ચસ્વને ખુલ્લી પડકાર આપનારા નેતા તરીકે જોવામાં આવતા હતા.
