Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૩ વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ GTA6 ગેમ લૉન્ચ થઈ

૧૩ વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ GTA6 ગેમ લૉન્ચ થઈ

Published : 20 November, 2026 07:20 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેમ બનાવનાર કંપનીએ પ્રી-ઑર્ડરથી જ વૈશ્વિક સ્તરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને બનાવ્યો રેકૉર્ડ

કિંમત કેટલી અને કયા પ્લૅટફૉર્મ પર મળશે? ભારતમાં પ્લેસ્ટેશન 5 અને XboX સિરીઝ X/S પ્લૅટફૉર્મ પર આ ગેમ મળશે. સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ૫૯૯૯ રૂપિયા અને અલ્ટિમેટ એડિશનની કિંમત ૭૪૯૯ રૂપિયા છે.

કિંમત કેટલી અને કયા પ્લૅટફૉર્મ પર મળશે? ભારતમાં પ્લેસ્ટેશન 5 અને XboX સિરીઝ X/S પ્લૅટફૉર્મ પર આ ગેમ મળશે. સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ૫૯૯૯ રૂપિયા અને અલ્ટિમેટ એડિશનની કિંમત ૭૪૯૯ રૂપિયા છે.


ગેમિંગની દુનિયામાં જેની લગભગ ૧૩ વર્ષથી રાહ જોવાઈ રહી હતી એ ગેમ ગ્રૅન્ડ થેફ્ટ ઑટો (GTA)ની છઠ્ઠી સિરીઝ ગઈ કાલે લૉન્ચ થઈ. આ ગેમ માટે યુવાનોમાં એટલી ઉત્સુકતા હતી કે ગેમિંગ ટેક્નૉલૉજી સાથે સંકળાયેલી ડઝનબંધ કંપનીઓએ ગઈ કાલે ઑફિશ્યલ રજા જાહેર કરી દીધી હતી જેથી તેમના કર્મચારીઓ આ ગેમ રમી શકે. આ ગેમ લૉન્ચ થતાં પ્રી-ઑર્ડરમાં જ વૈશ્વિક સ્તરે ૧.૬ અબજ ડૉલર એટલે કે લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. આને કારણે GTA6 લૉન્ચના પ્રથમ જ દિવસે સૌથી વધુ કમાણી કરનારી એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્ટ બની ગઈ છે.

GTA ગેમ છે શું?



GTA સિરીઝની ગેમ દુનિયાની સૌથી પૉપ્યુલર અને સૌથી વધુ વેચાયેલી વિડિયો ગેમ સિરીઝ છે જે રૉકસ્ટાર ગેમ્સ નામની કંપનીએ ૧૯૯૬-૯૭ની સાલમાં બનાવી હતી. આ એક ઓપન વર્લ્ડ ઍક્શન ઍડ્વેન્ચર ગેમ છે. એમાં પ્લેયરને એક આખું કાલ્પનિક શહેર આપી દેવામાં આવે છે જ્યાં તે પોતાની મરજી મુજબ ક્યાંય પણ ફરી શકે છે અને કંઈ પણ કરી શકે છે. આ સિરીઝની ગેમ્સમાં બનાવેલાં કાલ્પનિક શહેરો અમેરિકાના અસલી શહેરો જેવાં છે. ૧૩ વર્ષ પહેલાં આવેલી GTA Vમાં લૉસ સૅન્ટોસ નામનું શહેર હતું જે કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસ જેવું હતું. આ નવી સિરીઝના શહેરનું નામ વાઇસ સિટી છે જે માયામી શહેર પર આધારિત છે. પ્લેયર શહેરમાં કંઈ પણ કરી શકે છે. રેસિંગ અને આપવામાં આવેલા મિશન્સ પૂરાં કરીને તે ગાડી, હથિયાર, કપડાં અને પ્રૉપર્ટી ખરીદી શકે છે. જો તમે ગેરકાનૂની કામ કરો તો તમારા પર કેસ પણ થઈ શકે છે અને એનાથી બચવા માટે ગેમની જ અંદર કાનૂની પ્રોસેસ અને નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ટૂંકમાં એક કલ્પનાની દુનિયામાં તમે ચાહો એ કરી શકો એની સ્વતંત્રતા આ ગેમને ખાસ બનાવે છે.


GTA6માં શું છે નવું?

આ લેટેસ્ટ વર્ઝનમાં દુનિયાને વધુ રિયલિસ્ટિક દેખાડવામાં આવી છે. એમાં બે પાત્રો છે જેસન અને લુસિયા. લુસિયા જેલમાંથી સજા કાપીને બહાર આવી છે અને જેસન લોકલ લેવલનો ચોર અને ડ્રગ-સ્મગલર છે. ગેમમાં આ બે પાત્રોનું મિશન છે અપરાધની દુનિયા છોડીને એક સામાન્ય જીવન શરૂ કરવું. જોકે સામાન્ય જીવન માટે થોડા પૈસા ભેગા કરી લેવા માટે બન્ને છેલ્લી એક વાર ખોટું કામ કરવા જાય છે અને ફસાઈ જાય છે. આ સિરીઝમાં પ્લેયર્સ પાસે એક રિયલ લાઇફમાં કામ લાગે એવું મિશન છે.


ખાસિયતો શું છે?

સૌથી મૉડર્ન વર્ઝનનો ઉપયોગ થવાથી લાઇટિંગ, પાણીની લહેરો, પાત્રો, માણસોની ભીડ એકદમ અસલી દુનિયા જેવી દેખાય છે. ૬ લાખ ઍનિમેશનથી બનાવી છે અસલી ભીડ. આ ગેમ ડેવલપ કરવા દુનિયાના ૧૨ સ્ટુડિયોમાં ૪૭૦૦થી વધુ ડેવલપર્સ, પ્રોગ્રામર્સ, આર્ટિસ્ટ અને એન્જિનિયરોએ ૧૦ વર્ષ કામ કર્યું છે. બારમાંનો એક સ્ટુ‌ડિયો બૅન્ગલોરનો હતો, જેના ૧૬૦૦ એ‌ન્જિ‌નિયરોએ આ ગેમને ડેવલપ કરવામાં ફાળો આપ્યો છે.

નરેન્દ્ર મોદી પણ GTA6 ટ્રેન્ડમાં જોડાયા : GTA5 પછી ૧૩ વર્ષમાં ભારત કેટલું બદલાયું એ સિદ્ધિઓ GTA6ની ઍનિમેશન સ્ટાઇલમાં શૅર કરી

બહુચર્ચિત રૉકસ્ટાર ગેમ્સ GTA6ના ગ્લોબલ લૉન્ચ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશ્યલ મીડિયા પર GTA6 સ્ટાઇલમાં ખાસ પોસ્ટ કરી હતી. તેમણે GTA5 પછીનાં ૧૩ વર્ષમાં ભારતના વિકાસની વાતો ગણાવી હતી. આ માટે તેમણે GTA6ને ભારતના વિકાસની સ્ટોરીની રીતે રજૂ કરી હતી. GTA6 થીમના રંગીન ગ્રાફિક્સ પોસ્ટ કરીને તેમણે અર્થવ્યવસ્થા, સ્વચ્છતા, સૌર ઊર્જા, સ્ટાર્ટઅપ્સ અને અંતરીક્ષના ક્ષે‌ત્રમાં ભારતની ઐતિહાસિક છલાંગના આંકડાઓ સાથેની સિદ્ધિઓ ગણાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 07:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK