SITએ અવિનાશ શુક્લાને જાહેર કર્યો મુખ્ય આરોપી : ૪૦ દિવસમાં ૭૦ વખત ચોરી કરનાર ગૅન્ગના માસ્ટરમાઇન્ડ પાસેથી લાખોની રોકડ, સોનું, SUV અને QR કોડવાળી દાનપેટી તથા આવક કરતાં અનેકગણી સંપત્તિ જપ્ત
અવિનાશ શુક્લા
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનનાં નાણાંની ચોરીના કૌભાંડમાં ઉત્તર પ્રદેશ સરકારની ૩ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ મોટો ખુલાસો કર્યો હતો. SITના પ્રાથમિક રિપોર્ટમાં દાનનાં નાણાં ગણવા માટે રાખવામાં આવેલા ૩૦ વર્ષના કર્મચારી અવિનાશ શુક્લાને આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જાહેર કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે અવિનાશ અને તેના સાથીદારોએ માત્ર ૪૦ દિવસના ગાળામાં જ કલેક્શન-રૂમમાંથી આશરે ૭૦ વખત ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
CCTV કૅમેરાનાં ફુટેજથી ખુલાસો
CCTV કૅમેરાનાં ફુટેજની વારંવારની તપાસમાં દેખાયું કે નોટોની ગણતરી દરમ્યાન અવિનાશ રોકડનાં બંડલો છુપાવીને વારંવાર બહાર લઈ જતો હતો, જેમાં અંદર હાજર અન્ય પાંચ આરોપીઓ તેને મદદ કરતા હતા.
ADVERTISEMENT
રામ મંદિરના દાનચોરો ભક્તોને નકલી રસીદ આપતા હતા
રામ મંદિર દાન કૌભાંડની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તપાસકર્તાઓએ આરોપીઓ પાસેથી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અસલી લોગો અને નામવાળી દાન-રસીદની નકલી બુક જપ્ત કરી છે. પૂછપરછ દરમ્યાન ટિન્નુ યાદવ, લવકુશ, કરુણેશ અને અનુકલ્પ જેવા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અયોધ્યા આવતા ભક્તોને અસલી જેવી જ દેખાતી નકલી પહોંચ આપીને દાનની રકમ બારોબાર પચાવી પાડતા હતા. જોકે ટ્રસ્ટે પેપર-રિસીટ બંધ કરીને ડિજિટલ ઑનલાઇન પહોંચ આપવાનું શરૂ કરતાં જ છેતરપિંડી પકડાઈ જવાના ડરે આરોપીઓએ આ નકલી બુકનો ઉપયોગ બંધ કરવો પડ્યો હતો. પોલીસ હવે જપ્ત થયેલી બુકના આધારે કુલ છેતરપિંડીની રકમ શોધવા આગળની તપાસ ચલાવી રહી છે.
મોટી રિકવરી
પોલીસે અવિનાશ પાસેથી ૨૦.૩૯ લાખ રૂપિયાની રોકડ, ૧૧૨૧ અમેરિકી ડૉલર, સોના-ચાંદીના દાગીના અને એક વૈભવી કાર જપ્ત કર્યાં હતાં. તેના ઘરેથી રામરાજ્ય કોષ લખેલી અને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડવાળી એક નકલી દાનપેટી પણ મળી આવી હતી.
આવક કરતાં વધુ ટ્રાન્ઝૅક્શન
નોટો ગણવા માટે રાખવામાં આવેલા કર્મચારીઓનો માસિક પગાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયા હતો, પરંતુ અવિનાશના બૅન્ક-ખાતામાંથી તેની સત્તાવાર આવક કરતાં અનેકગણી વધારે રકમના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા.
કૉન્ગ્રેસી નેતા દિગ્વિજય સિંહે રામ મંદિર માટે આપેલા ૧.૧૧ લાખ રૂપિયા પાછા માગ્યા
રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનની ચોરીના કૌભાંડ વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રામ મંદિર નિર્માણ માટે આપેલું ૧,૧૧,૦૦૦ રૂપિયાનું દાન પરત માગતાં નવો વિવાદ સર્જાયો છે. દિગ્વિજય સિંહે જાહેરાત કરી હતી કે તેઓ દાનનાં નાણાંમાં થયેલી હેરાફેરીના વિરોધમાં અયોધ્યાની અદાલતમાં કાનૂની વલણ અપનાવશે; જો અદાલતમાં નાણાકીય ગેરરીતિઓ સાબિત થશે, તો તેઓ પોતાનું દાન પરત મેળવીને એને અન્ય કોઈ માન્ય ધાર્મિક સંસ્થા અથવા શંકરાચાર્યના ટ્રસ્ટને સોંપી દેશે.
દાનચોરીના પાંચ આરોપીઓની નાર્કો અને પૉલીગ્રાફ ટેસ્ટ થશે
અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનની ચોરીના હાઇ-પ્રોફાઇલ કૅસમાં અસલી કાવતરાને ઉજાગર કરવા પોલીસ હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લેવાની તૈયારી કરી રહી છે. અયોધ્યા પોલીસ આ મોટા કૌભાંડ પાછળની નાણાકીય લેવડદેવડની કડીઓ જોડવા અને મંદિરના કોઈ વરિષ્ઠ પદાધિકારીઓ આમાં સામેલ છે કે નહીં એ જાણવા જેલમાં બંધ પાંચ મુખ્ય આરોપીઓનાં નાર્કો-ઍનૅલિસિસ અને પૉલીગ્રાફ ટેસ્ટ કરાવવા વિશે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. અદાલતની મંજૂરી બાદ પોલીસે તાજેતરમાં જિલ્લા જેલમાં જઈને અનુક્લ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રામ શંકર યાદવ, કરુણેશ પાંડે અને મનીષ યાદવની સઘન પૂછપરછ કરીને સત્તાવાર નિવેદનો નોંધ્યાં હતાં. જોકે આરોપીઓના જવાબોમાં ભારે વિરોધાભાસ હોવાથી પોલીસ આ ટેસ્ટ દ્વારા સત્ય કઢાવવા અને અન્ય સાથીદારોની ઓળખ કરવા માગે છે.
અયોધ્યાની મસ્જિદ માટે ભેગા થયા માત્ર દોઢ કરોડ રૂપિયા
પ્રોજેક્ટ નાનો કરી દેવાયો, હૉસ્પિટલ-લાઇબ્રેરી નહીં બને
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યા વિવાદના ઉકેલ તરીકે સૂચિત કરાયેલો મસ્જિદ પ્રોજેક્ટ હવે એના મૂળ આયોજન કરતાં ખૂબ જ નાના પાયે તૈયાર કરવામાં આવશે. મુસ્લિમ સમુદાય તરફથી આ પ્રોજેક્ટને પૂરતો સપોર્ટ અને દાન ન મળવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત બુધવારે સત્તાવાર પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અયોધ્યામાં પાંચ એકરની જમીન પર મસ્જિદના નિર્માણ માટે રચાયેલા ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને જણાવ્યું કે અપેક્ષા કરતાં ઘણું ઓછું ફંડ એકત્ર થતાં તેમણે હૉસ્પિટલ અને લાઇબ્રેરી બનાવવાની પોતાની મૂળ યોજનાઓ પડતી મૂકવી પડી છે. મૂળ યોજના અંતર્ગત આ સ્થળે એક ભવ્ય મસ્જિદ ઉપરાંત ૩૦૦ બેડની મલ્ટી-સ્પેશ્યલિટી હૉસ્પિટલ અને એક મોટી લાઇબ્રેરી બનાવવાનું નક્કી થયું હતું. હવે માત્ર એક નાની મસ્જિદ બનાવવાનું આયોજન છે, જેના માટે આશરે ત્રણથી પાંચ કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે. જોકે અત્યાર સુધી દાનમાં માત્ર ૧.૫ કરોડ રૂપિયા જ એકઠા થઈ શક્યા છે.
