Rising North East Investor Summit 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું; કહ્યું, ‘ભારત વિશ્વનું સૌથી વૈવિધ્યસભર રાષ્ટ્ર’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
આજે ૨૩મેના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ નવી દિલ્હી (New Delhi)ના ભારત મંડપમ (Bharat Mandapam) ખાતે રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ (Rising North East Investor Summit 2025)નું ઉદ્ઘાટન કર્યું છે. દેશના બે મોટા ઉદ્યોગપતિઓ, ગૌતમ અદાણી (Gautam Adani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani), ઉદ્ઘાટન દરમિયાન પોતાના ભાષણો આપી ચૂક્યા છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર (Indian Government) અને ૮ ઉત્તર-પૂર્વ રાજ્યો (North-East states)ની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ - આ બે દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય દેશના ઉત્તર પૂર્વ ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે, તે સ્થાનિક અને વિદેશી રોકાણકારો, નીતિ નિર્માતાઓ વગેરેને એક પ્લેટફોર્મ પર લાવવાનો પણ છે.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ `રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ`નું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે, ‘ઉત્તરપૂર્વ ભારત, જેને તેઓ `અષ્ટલક્ષ્મી` કહે છે, હવે વિકાસની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે.’ તેમણે કહ્યું કે, ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાના લક્ષ્યમાં ઉત્તર પૂર્વની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બે દિવસીય સમિટ (૨૩-૨૪ મે) આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ તેની આર્થિક સંભાવનાઓને ઉજાગર કરવા માટે એક પ્લેટફોર્મ બનશે.
આ સમિટમાં, પ્રવાસન, આતિથ્ય, કૃષિ-ખાદ્ય પ્રક્રિયા, કાપડ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, આઇટી, માળખાગત સુવિધા, લોજિસ્ટિક્સ, ઊર્જા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે ઉત્તર પૂર્વનું નામ આવતા જ બોમ્બ, બંદૂકો અને નાકાબંધીની યાદ આવતી. આના કારણે સૌથી મોટું નુકસાન અહીંના યુવાનોને થયું. પરંતુ છેલ્લા ૧૦-૧૧ વર્ષોમાં, અમે શાંતિ કરારો દ્વારા યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડ્યા છે. ૧૦,૦૦૦થી વધુ યુવાનોએ શસ્ત્રો છોડી દીધા છે. આજે, જ્યારે હું આ સમિટમાં છું, ત્યારે મને ભવિષ્ય વિશે ગર્વ, આત્મીયતા અને આત્મવિશ્વાસની લાગણી થાય છે. અહીં આટલી મોટી સંખ્યામાં ઉદ્યોગ નેતાઓની હાજરી એ સંકેત આપે છે કે ઉત્તર પૂર્વ રોકાણ માટે તૈયાર છે. પૂર્વોત્તર ક્ષેત્ર અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે અને સરકાર આ ક્ષેત્રની વિકાસગાથાને વેગ આપવા માંગે છે. પૂર્વોત્તરની વિવિધતા આપણા દેશની સૌથી મોટી તાકાત છે. આ ક્ષેત્ર સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
પીએમ મોદીની ઉત્તર પૂર્વની ૬૫ મુલાકાતો, ૬.૫ લાખ કરોડ રૂપિયાના રોકાણ અને ૧૮ એરપોર્ટના વિકાસનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે, આસામમાં તાજેતરમાં ૫૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત પછી, અદાણી ગ્રુપ આગામી ૧૦ વર્ષમાં સમગ્ર ઉત્તર પૂર્વમાં વધુ ૫૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ધ્યાન ગ્રીન એનર્જી, સ્માર્ટ મીટર, હાઇડ્રો પ્રોજેક્ટ્સ, રસ્તાઓ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય તાલીમ અને સ્થાનિક રોજગાર પર રહેશે.
મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના મંત્રીઓએ ૭૦૦થી વધુ વખત ઉત્તર પૂર્વની મુલાકાત લીધી છે, જેનાથી જમીન પર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે ઉત્તર પૂર્વ સાથે માત્ર યોજનાઓનો સંબંધ જ નહીં, પણ હૃદયનો સંબંધ પણ બનાવ્યો છે.’
નોંધનીય છે કે, બે દિવસીય સમિટમાં મંત્રી સ્તરના સત્રો, બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G), બિઝનેસ ટુ બિઝનેસ (B2B) બેઠકો યોજાશે. આ સમિટનું આયોજન પૂર્વોત્તર રાજ્યો માટે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં પ્રવાસન, કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવાની યોજના છે. ૨૦૨૩-૨૪માં પૂર્વોત્તર રાજ્યોના આ ક્ષેત્રોમાં વૃદ્ધિ (રાજ્ય GDP) રૂ. ૯.૨૬ લાખ કરોડ હતી. ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ સુધી તે ૧૦.૮% ના દરે વધ્યો, જ્યારે આ સમયગાળા દરમિયાન દેશનો સરેરાશ GDP ૮.૧% હતો.

