પૅનલનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ ચેલમેશ્વર કરશે, ૧૨ સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ : પ્રાણીઓના સંપાદનમાં વન્યજીવન સંરક્ષણ અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળની જોગવાઈઓનું વનતારાએ પાલન કર્યું છે કે નહીં એની તપાસ કરશે SIT
વનતારા
સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારાના વન્યજીવન બચાવ કેન્દ્રના મામલાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જે. ચેલમેશ્વરના નેતૃત્વમાં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. પ્રાણીઓ અને ખાસ કરીને હાથીઓની આયાત, મની-લૉન્ડરિંગ, વન્યજીવોની દાણચોરી વગેરે સંબંધિત ફરિયાદોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે SITની રચના કરી છે. ન્યાયાધીશ ચેલમેશ્વરની આગેવાની હેઠળની SITને ૧૨ સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વમાં SITમાં ઉત્તરાખંડ અને તેલંગણ હાઈ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્ર ચૌહાણ; મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર હેમંત નગરાળે અને વધારાના કમિશનર (કસ્ટમ્સ) અનિશ ગુપ્તાનો સમાવેશ થશે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે બે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પર આ આદેશ આપ્યો હતો. કોલ્હાપુરના એક મંદિરમાંથી હાથી માધુરીને વનતારા લઈ જવાના વિવાદ બાદ જુલાઈમાં વકીલ સી. આર. જયા સુકિન દ્વારા અને બીજી દેવ શર્મા દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી. આવી અરજી સામાન્ય રીતે ધ્યાનમાં ન લેવી જોઈએ એવું અવલોકન કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘અરજીમાં કોઈ પણ આધારભૂત પુરાવા વિના ફક્ત આરોપો લગાવવામાં આવ્યા છે. SITની તપાસ ફક્ત સત્ય અને તથ્યો શોધવા માટે છે, જેથી કોર્ટ સાચી માહિતીના આધારે નિર્ણય લઈ શકે. આ આદેશનો અર્થ એ નથી કે વનતારા અથવા કોઈ પણ સરકારી સંસ્થા ખોટું કરી રહી છે.’
વનતારાએ શું નિવેદન આપ્યું?
સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતાં વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘વનતારા પારદર્શિતા, કરુણા અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારું મિશન અને ધ્યાન પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને સંભાળ પર ચાલુ રહેશે. અમે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને નિષ્ઠાપૂર્વક અમારું કાર્ય ચાલુ રાખીશું. હંમેશાં અમારા તમામ પ્રયાસોના કેન્દ્રમાં પ્રાણીઓના કલ્યાણને રાખીશું. અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા અટકળો વિના અને અમે પ્રાણીઓની જે સેવા કરીએ છીએ એમના શ્રેષ્ઠ હિતમાં થવા દેવામાં આવે.’

