સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું કે આ વર્ગો માટે અનામતનો આધાર સામાજિક પછાતપણું છે, આર્થિક સ્થિતિ નહીં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે શેડ્યુલ્ડ કાસ્ટ (SC) અને શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST) કૅટેગરીમાં અનામત માટે ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં. સરકારે દલીલ કરી હતી કે આ સિદ્ધાંત હંમેશાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC) માટે જ અમલમાં રહ્યો છે. સરકારે આવકના આધારે અનામતમાં સબ-ક્વોટા નક્કી કરવાની માગણી કરતી અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે ભારતની અનામત નીતિ માત્ર આર્થિક સ્થિતિ પર નહીં પરંતુ સામાજિક પછાતપણું, જાતિ અને ઐતિહાસિક કારણો પર આધારિત છે.
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયે રજૂ કરેલા ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે SC અને ST માટે ક્રીમી લેયર લાદવા વિશે નિર્ણય લેવાનો અધિકાર માત્ર સંસદ પાસે જ છે, અનામત નીતિમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં સામાજિક અને આર્થિક ડેટાનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.
ADVERTISEMENT
OBC કૅટેગરીમાં ૮ લાખ રૂપિયાની વાર્ષિક આવકમર્યાદાથી વધુ કમાણી કરનારાઓને ક્રીમી લેયર ગણીને અનામત લાભમાંથી બહાર રાખવામાં આવે છે, પરંતુ SC અને ST કૅટેગરીમાં આ સિદ્ધાંત વિસ્તારી શકાય નહીં એવું કેન્દ્ર સરકારનું કહેવું છે. દેશનાં સામાજિક સમીકરણો માટે કેન્દ્રનું આ સ્પષ્ટીકરણ અત્યંત મહત્ત્વનું ગણાય છે.
