બહેન-દીકરી બાગેશ્વર ધામમાં એકલી ન આવે, સેવાદારો પર આંખ મીંચીને ભરોસો ન કરે
બાબા બાગેશ્વર
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગઢામાં આવેલા પ્રખ્યાત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બહેન-દીકરીઓ બાગેશ્વર ધામ એકલી ન આવે અને સેવાદારો પર આંખ મીંચીને ભરોસો ન કરે એવી અપીલ કરી છે.
શનિવારે રાત્રે દિવ્ય દરબારમાં મંચ પરથી પોતાના સંદેશમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘સનાતન ધર્મ હાલમાં સતત હુમલાઓનો સામનો કરી રહ્યો છે એટલે માતાઓ અને બહેનોએ બાગેશ્વર ધામમાં એકલા ન આવવું જોઈએ. જો કોઈ કારણોસર તમારે એકલા આવવું પડે તો કોઈ અજાણ્યા માણસ કે ધામના સેવાદાર પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. ધામમાં રહેવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી એટલે ત્યાં લાંબા સમય સુધી રોકાવાનું ટાળો. અન્યથા કોઈ પણ અનિચ્છનીય ઘટના માટે તમે જવાબદાર રહેશો.
ADVERTISEMENT
ધામની સુરક્ષા વિશે બોલતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘બાગેશ્વર ધામ લગભગ પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિર સંકુલ અને હૉલની સુરક્ષા માટે ધામ જવાબદાર છે, પરંતુ સમગ્ર વિસ્તારની જવાબદારી લેવી શક્ય નથી એટલે ભક્તોએ પણ સાવધાની રાખવી જોઈએ.’
વૃંદાવન સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નોંધાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું ઇચ્છતો નથી કે કોઈ અપ્રિય ઘટનાથી બાગેશ્વર ધામ અથવા શ્રી બાલાજી મહારાજની બદનામી થાય. તેમણે ભક્તોને અજાણ્યા લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરાઈ જવાની અને પોતાની સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવાની અપીલ કરી હતી.
