અત્યારે દેશભરમાં ધાર્મિક સ્થળ વિશેના મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ સહિતના ૧૮ કેસ વિવિધ અદાલતોમાં ચાલી રહ્યા છે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ (૧૯૯૧) મામલે ગઈ કાલે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ કાયદા સંબંધી મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી નવો કેસ કોઈ પણ અદાલતમાં દાખલ નહીં કરવામાં આવે અને કોઈ કેસમાં ચુકાદો પણ ન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજય ખન્નાની અધ્યક્ષતાની ખંડપીઠે કહ્યું હતું કે અત્યારે દેશભરમાં ધાર્મિક સ્થળ વિશેના મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ સહિતના ૧૮ કેસ વિવિધ અદાલતોમાં ચાલી રહ્યા છે. આથી જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ ચુકાદો ન આપે ત્યાં સુધી નવો કેસ નહીં લેવામાં આવે. ગઈ કાલની સુનાવણીમાં સર્વોચ્ચે અદાલતે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાંમાં જવાબ આપવાનો અને સંબંધિત પક્ષકારોને આઠ અઠવાડિયાંમાં રિજૉઇન્ડર ફાઇલ કરવાનો નિર્દેશ કર્યો હતો.