પગમાં પહેરાવેલી રિંગ પર લખ્યું હતું, રહમત સરકાર અને રિઝવાન ૨૦૨૫
શનિવારે સવારે આ કબૂતર પકડ્યું હતું જેના પગમાં લાલ અને પીળા રંગની રિંગ લાગેલી હતી
જમ્મુના અખનૂર સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે ખરાહ ગામમાં એક શંકાસ્પદ કબૂતર પકડાયું છે. ૧૩ વર્ષના આર્યન નામના એક બાળકે શનિવારે સવારે આ કબૂતર પકડ્યું હતું જેના પગમાં લાલ અને પીળા રંગની રિંગ લાગેલી હતી અને એના પર ‘રહમત સરકાર’ અને ‘રિઝવાન ૨૦૨૫’ લખ્યું હતું.
આ કબૂતરને તપાસ માટે પલ્લનવાલા પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું. કબૂતર હલકા રાખોડી રંગનું છે અને એની બન્ને પાંખો પર બે કાળી લાઇનો નીકળે છે. કબૂતરના પગની રિંગો પર જે લખાણ છે એનાથી સુરક્ષા-એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. કબૂતરની પાંખ પર પણ કોઈ ચોક્કસ મોહર લાગી છે.
ADVERTISEMENT
ગણતંત્ર દિવસ પહેલાં પાકિસ્તાને ડ્રોનથી મોકલાવી હથિયારોની ખેપ- જમ્મુના સાંબા જિલ્લા પાસે BSFને મળ્યું પૅકેટ
૨૬ જાન્યુઆરીની એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભંગ પાડીને હિંસા ફેલાવવા માટે પાકિસ્તાન ષડયંત્ર રચી રહ્યું છે. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોને પાકિસ્તાની ડ્રોન લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે ફરતાં દેખાયાં હોવાની સૂચના મળતાં જવાનોએ સઘન તપાસ-અભિયાન હાથ ધર્યું હતું. શનિવારે જમ્મુના સાંબા જિલ્લા પાસે BSFને પાકિસ્તાનથી આવેલાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. BSFના જવાનોને એક નાળા પાસે પીળી ટેપ લગાવેલું મોટું પૅકેટ પડેલું જોવા મળ્યું હતું. પહેલાં તો BSFએ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની મદદથી પૅકેટ તપાસાવ્યું હતું અને પછી શંકા નાબૂદ થતાં પૅકેટ ખોલવામાં આવ્યું હતું. આ તપાસમાં સુરક્ષાબળોને બે પિસ્તોલ, ત્રણ મૅગેઝિન, ૧૬ રાઉન્ડ અને એક ગ્રેનેડ મળ્યાં હતાં. સુરક્ષાદળોને શંકા છે કે જે રીતે આખા પૅકેટમાં સામાન ભરેલો હતો એ પાકિસ્તાનના ડ્રોનથી ભારતની જમીન પર ફેંકવામાં આવ્યો હોય એવી સંભાવના વધુ ઊંચી છે.


