નવી ડ્રાફ્ટ મતદારયાદીમાં મારું નામ નથી : તેજસ્વી યાદવ આ રહ્યું ૪૧૬ નંબર પર, બરાબર જુઓ : ઇલેક્શન કમિશન
તેજસ્વી યાદવ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે ગઈ કાલે દાવો કર્યો હતો કે મતદારયાદીની ચકાસણી પછી ચૂંટણીપંચ દ્વારા પ્રકાશિત નવી ડ્રાફ્ટ મતદારયાદીમાંથી તેમનું નામ ગાયબ છે.
જોકે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી અને પટના જિલ્લા પ્રશાસને આ દાવાને નકારી કાઢ્યો હતો અને ડ્રાફ્ટ મતદારયાદીમાં તેજસ્વી યાદવની તમામ વિગતો ફોટોગ્રાફ સાથે દેખાતી હોય એવો સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો, જેમાં તેજસ્વી યાદવનો નંબર ૪૧૬ હતો.
ADVERTISEMENT
એક પ્રેસ-કૉન્ફરન્સમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પોતાનો ફોન મોટી સ્ક્રીન સાથે જોડીને પોતાનો ઇલેક્ટરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબર શોધવાનો પ્રયાસ કર્યો, જેમાં દેખાતું હતું કે આ નંબરનો કોઈ રેકૉર્ડ મળ્યો નથી.
આ દરમ્યાન સમ્રાટ ચૌધરીએ તેમના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે ‘તમારું નામ તમારા આદરણીય પિતા લાલુ પ્રસાદ યાદવની સાથે જ છે. તમે છેતરપિંડી અને ખોટા દાવાઓનો વેપાર કરતી તમારી દુકાન બંધ કરી દો તો સારું રહેશે.’
પટના જિલ્લા પ્રશાસને પણ તેજસ્વી યાદવના દાવાને રદિયો આપ્યો હતો. પ્રશાસને કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા તેજસ્વી યાદવનું નામ નવા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ રોલમાં છે. તેમનું બૂથ હજી પણ એ જ છે, પરંતુ તેમના સિરિયલ-નંબર અને મતદાનમથકના નંબરમાં ફેરફાર થયો છે.’

