Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં આતંકવાદી હુમલાની અલર્ટ, લાલ કિલ્લા અને ચાંદની ચોકનાં મંદિરો નિશાના પર

દિલ્હીમાં આતંકવાદી હુમલાની અલર્ટ, લાલ કિલ્લા અને ચાંદની ચોકનાં મંદિરો નિશાના પર

Published : 22 February, 2026 09:24 AM | Modified : 22 February, 2026 09:25 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવાની ફિરાકમાં લશ્કર-એ-તય્યબા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર હુમલો કરે એવી સંભાવનાના પગલે સિક્યૉરિટી જડબેસલાક કરવામાં આવી

લાલ કિલ્લા અને મંદિરોની પાસે બૅરિકેડ્સ ગોઠવીને સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે. મંદિરના કાંગરેથી પણ સિક્યૉરિટી ફોર્સના જવાનોની ચાંપતી નજર.

લાલ કિલ્લા અને મંદિરોની પાસે બૅરિકેડ્સ ગોઠવીને સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે. મંદિરના કાંગરેથી પણ સિક્યૉરિટી ફોર્સના જવાનોની ચાંપતી નજર.


હોળી પહેલાં દેશની રાજધાની દિલ્હીમાં લશ્કર-એ-તય્યબા (LeT) દ્વારા સંભવિત મોટા આતંકવાદી હુમલાની આશંકાને પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. ગયા નવેમ્બરમાં લાલ કિલ્લા પાસે થયેલા કારબ્લાસ્ટ પછી એક વાર ફરી દિલ્હીમાં હલચલ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય સીક્રેટ એજન્સીઓને મળેલી માહિતી બાદ દિલ્હીમાં સિક્યૉરિટી વધારવામાં આવી છે. લાલ કિલ્લા પાસે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટની આશંકાને લઈને અલર્ટ જાહેર કરવામાં આવી છે અને લાલ કિલ્લાની આસપાસનાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની બહાર સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. 

ચાંદની ચોક મેઇન રોડ પર જૈન લાલ મંદિરથી લઈને ગૌરીશંકર મ‌ંદિર સુધી પોલીસે બૅરિકેડ્સ લગાવી દીધાં છે. અહીં બે જગ્યાએ મેટલ ડિટેક્ટરથી લોકોની તપાસ થઈ રહી છે. મંદિરોમાં જતા-આવતા લોકોની બૅગની તલાશી પણ લેવામાં આવી છે. મંદિરના ગેટ પાસે પણ ફોર્સ તહેનાત થઈ ગઈ છે. આ વિસ્તારના ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરા પર ચાંપતી નિગરાની શરૂ થઈ ગઈ છે. પોલીસે માઇકથી જાહેરાત કરી છે કે આવતા-જતા લોકો પર પોલીસની કડક નજર છે. પોલીસની સાથે પૅરામિલિટરી ફોર્સના જવાનોએ પણ ઠેર-ઠેર નાકાબંધી કરી છે. સુરક્ષા-એજન્સીઓએ લોકોને સચેત રહેવાની અને કોઈ પણ શંકાસ્પદ ચીજ કે ગતિવિધિની તરત પોલીસને સૂચના આપવાની અપીલ કરી છે. 



આતંકવાદી સંગઠન LeT ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવાની ફિરાકમાં છે. એ હુમલામાં ૩૧ લોકોએ જીવ ગુમાવેલો. પાકિસ્તાને એ વિસ્ફોટમાં બહારના દેશોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો જેને ભારતે સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો.


બારામુલા બાદ ગાંદરબલમાં પણ મોટા આતંકવાદી હુમલાનો પ્રયાસ નિષ્ફળ

જમ્મુ અને કાશ્મીરના બારામુલા બાદ હવે ગાંદરબલમાં સુરક્ષા-દળોએ સફાપોરા રોડ પર એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) શોધી કાઢ્યું હતું. માહિતી મળતાં જ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને IEDને ડિફ્યુઝ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા-અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા-દળોએ તાત્કાલિક રસ્તા પર ટ્રાફિક બંધ કરી દીધો હતો.આ મુદ્દે અધિકારીઓએ કહ્યું હતું કે ‘આતંકવાદીઓ VIP, સુરક્ષા-દળો, સ્થાનિક પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યા છે. કાફલાઓને નિશાન બનાવવા માટે રસ્તાઓ અને હાઇવે પર IED પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે.’શુક્રવારે બારામુલા જિલ્લાના જાબાંઝપોરા વિસ્તારમાં સૈનિકોએ એક IED શોધી કાઢ્યું હતું અને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કર્યું હતું. અગાઉ ૧૮ ફેબ્રુઆરીએ શ્રીનગર-બારામુલા હાઇવે પર રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, જેને કારણે હોબાળો મચી ગયો હતો. આ એક મોટા આતંકવાદી કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવેલું IED હતું. સુરક્ષા-દળોએ એને નિષ્ક્રિય કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને થોડા જ સમયમાં IEDને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 09:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK