જોકે કંપનીએ કહ્યું કે તેમને હટાવવા મુશ્કેલ, તેમના પર નજર રાખવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહેલા રતલે હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ કરતા ૨૯ કામદારોની આતંકવાદી લિન્ક મળી છે. આ કામદારો રાષ્ટ્રવિરોધી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આવા કામદારો પ્રોજેક્ટની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. પોલીસે કંપનીને આ કામદારોને નોકરી પર રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે.
૮૫૦ મેગાવૉટનો આ પ્રોજેક્ટ નૅશનલ હાઇડ્રો પાવર કૉર્પોરેશન લિમિટેડ (NHPCL) અને જમ્મુ અને કાશ્મીર સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. એનો અંદાજિત ખર્ચ ૩૭૦૦ કરોડ રૂપિયા છે. બાંધકામનું કામ મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL)ને સોંપવામાં આવ્યું છે.
પોલીસે પ્રોજેક્ટ પર કામ કરતા કામદારોની ચકાસણી કરી એમાં એવું બહાર આવ્યું કે ૨૯ કામદારોમાંથી પાંચ સક્રિય અથવા આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓના સંબંધીઓ હતા. એક કામદારના કાકા મોહમ્મદ અમીન છે, જે હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી છે. આ આતંકવાદી પ્રોજેક્ટ પર કામ કરતા અન્ય બે કામદારોનો ભાઈ પણ છે.
ADVERTISEMENT
બીજા કામદારના પિતા આતંકવાદી રહી ચૂક્યા છે. જોકે તેમણે આત્મસમર્પણ કર્યું છે. એક કામદારના પિતા ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે સૂચિબદ્ધ છે. બાકીના ૨૪ કામદારો સામે ગુનાહિત રેકૉર્ડ મળી આવ્યા છે.
જોકે મેઘા એન્જિનિયરિંગે જણાવ્યું હતું કે કામદારોને દૂર કરવા મુશ્કેલ છે કારણ કે તેઓ પોતે આતંકવાદી નથી કે તેઓ આતંકવાદીઓ માટે કામ કરતા ઓવરગ્રાઉન્ડ વર્કરો નથી. તેમને હજી સુધી કોઈ ગુનાહિત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. જોકે કંપનીએ ખાતરી આપી હતી કે આ કામદારો પર કડક નજર રાખવામાં આવશે.


