બળાત્કારીઓના મનમાં કાયદાનો ડર પેદા કરવો જરૂરી, દિલ્હીમાં રાત્રે ૧૦ વાગ્યે પણ મહિલાઓ રસ્તા પર કે મેટ્રોમાં પોતાને સુરક્ષિત અનુભવે એવી વ્યવસ્થા હોવી જોઈએ
સુપ્રીમ કોર્ટ
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં મહિલાઓ તથા સગીરાઓ સામેના બળાત્કાર અને જાતીય ગુનાઓની સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લઈને પાંચમી ઑક્ટોબરે પોલીસ અને પ્રશાસનની જવાબદારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ જે. બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે પોલીસ અને પ્રશાસનને મોટો સંદેશ આપતાં કહ્યું હતું કે ‘બળાત્કારની માનસિકતા ધરાવતા ગુનેગારોના મનમાં કાયદાનો ડર પેદા કરવો જરૂરી છે. પોલીસ અને તંત્ર આ સુરક્ષિત વાતાવરણ આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે.’
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘દિલ્હીની દરેક મહિલા રાત્રે ૧૦ વાગ્યે પણ રસ્તા પર ચાલતી વખતે કે મેટ્રો અને અન્ય પરિવહનમાં મુસાફરી દરમ્યાન પોતાને સુરક્ષિત અનુભવે એવી વ્યવસ્થા હોવી જોઈએ. માત્ર ગુનો બન્યા બાદ કાર્યવાહી કરવી પૂરતી નથી, ગુનાને પહેલેથી અટકાવવો જરૂરી છે. ગુનેગારોમાં ગંભીર પરિણામનો ડર હશે તો જ ગુનો રોકવાની વ્યવસ્થા અસરકારક બનશે.’
કોર્ટે કેન્દ્ર અને દિલ્હી પોલીસને પૂછ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવાની અને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવાની અસરકારક વ્યવસ્થા છે કે નહીં? ૨૮ સપ્ટેમ્બરે પણ કોર્ટે કાગળ પરની યોજનાઓને બદલે જમીની સુરક્ષાની વિગતો માગી હતી. આ સુનાવણીનો ઉદ્દેશ વ્યક્તિગત આરોપીનો ચુકાદો આપવાનો નહીં, સંસ્થાગત નિષ્ફળતાઓ અને સુરક્ષાતંત્રની સમીક્ષા કરવાનો છે એવું કોર્ટે નોંધ્યું હતું.
