સોશ્યલ મીડિયા રેડિટ પર ૪૨ વર્ષની એક માણસે મૂકેલી પોસ્ટ જોરદાર વાઇરલ થઈ છે અને લોકોએ એના પર ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોશ્યલ મીડિયા રેડિટ પર ૪૨ વર્ષની એક માણસે મૂકેલી પોસ્ટ જોરદાર વાઇરલ થઈ છે અને લોકોએ એના પર ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી છે. આ માણસે લગ્ન કર્યાં નથી અને લગ્ન કરવા માગતો પણ નથી. તેનાં માતા-પિતા જલદી મૃત્યુ પામ્યાં છે, તેના પર કોઈ દેવું નથી, પોતાનું ઘર કે ગાડી પણ નથી, તેના પર કોઈ ડિપેન્ડન્ટ પણ નથી. તેની પાસે ૨.૫ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) છે અને સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધીની નોકરીમાં થતા તનાવથી આ માણસ કંટાળી ગયો છે અને હવે જલદી નિવૃત્ત થવા માગે છે. તેણે જણાવ્યું છે કે તે થાકી ગયો છે અને અંદરથી ખાલીપો અનુભવી રહ્યો છે. તેણે થોડા સમય માટે અમેરિકામાં પણ કામ કર્યું હતું અને એથી તે ૬૨ વર્ષનો થશે એટલે તેને દર મહિને આશરે ૧૦૦૦ ડૉલર (આશરે ૮૫,૦૦૦ રૂપિયા)ની ટૅક્સમુક્ત આવક પણ થશે.
આટલી નાણાકીય સધ્ધરતા હોવા છતાં આ માણસ ખાલીપો અનુભવે છે એ ખરેખર માન્યામાં આવતું નથી. તેણે લખ્યું છે, ‘નવથી પાંચની જૉબ કરીને કંટાળો આવ્યો છે, હું હંમેશાં સ્ટ્રેસમાં રહું છું અને કામ કરતી વખતે ડેડલાઇનના લીધે વધારે સ્ટ્રેસમાં રહું છું. મારી તબિયત પણ ખરાબ થવા લાગી છે. હું દરેક ચીજ ધિક્કારવા લાગ્યો છું. હું ટેક્નૉલૉજી ફીલ્ડમાં નથી અને મારી પાસે જે નોકરી છે એ મેળવવી સરળ નથી. જો હું આજે નોકરી છોડી દઉં તો ભવિષ્યમાં મને આવી નોકરી મળવી મુશ્કેલ છે. મારી સામે સવાલ એ છે કે માનસિક રીતે કંટાળા સાથે આ નોકરી ચાલુ રાખવી કે પછી સ્પષ્ટ વિકલ્પ વિના એ છોડી દેવી.’
ADVERTISEMENT
રેડિટ પર આ પોસ્ટ વાંચ્યા બાદ લોકોએ આ વ્યક્તિને સલાહ આપતાં લખ્યું છે, ‘નોકરીમાંથી રજા લઈને પ્રવાસ કર, થાક ઉતાર અને પછી નોકરી ચાલુ કર; જો એમ કર્યા પછી પણ કંટાળો આવતો હોય તો નોકરીમાંથી રિટાયર થઈ જવું જોઈએ. તારી પાસે પૈસા છે અને ઘણો સમય પણ છે. એક ઘર ખરીદી લે અને પ્રાણીને પાળ અને એની સાથે સમય પસાર કર.’
બીજા યુઝરે સલાહ આપતાં લખ્યું છે, ‘જો આ પોસ્ટ સાચી હોય તો તું બે વાર રિટાયર થઈ શકે છે. પહેલાં નક્કી કર કે રિટાયર થયા બાદ શું કરીશ અને પછી જ નોકરી છોડી દે. દુર્ગુણોથી દૂર રહે, તારી લાઇફ સૉર્ટેડ છે.’
એક યુઝરે સલાહ આપતાં લખ્યું છે, ‘ટીચિંગ પ્રોફેશનમાં જા, ત્યાં સ્ટ્રેસ ઓછું હોય છે. કોઈ હિલ સ્ટેશનમાં ૩૦થી ૩૫ લાખ રૂપિયાના બજેટનું ઘર ખરીદી લે અને રિટાયર થઈ જા. શુદ્ધ હવા વચ્ચે આરામથી રહે અને પહાડોમાં ફરવા જા.’

