સાત ભૂતપૂર્વ વડા પ્રધાનો, ત્રણ રાષ્ટ્રપતિઓ અને રાજાની સંપત્તિની તપાસ કરવામાં આવશે
બાલેન શાહ
નેપાલમાં વડા પ્રધાન બાલેન શાહની સરકારે પાંચ સભ્યોની જુડિશ્યલ પૅનલની રચના કરીને અત્યાર સુધીની સૌથી વ્યાપક ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી શરૂ કરી છે. નેપાલમાં રાજાશાહી નાબૂદ થયા બાદ ૨૦૦૬ અને ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષ વચ્ચે જાહેર પદ સંભાળનારી વ્યક્તિઓની સંપત્તિની તપાસ કરવાનું કામ આ જુડિશ્યલ પૅનલને સોંપવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે તપાસ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે.
૨૦૦૫-’૦૬થી સેવા આપી ચૂકેલા તમામ ૭ વડા પ્રધાનો સુશીલ કોઇરાલા, પુષ્પ કમલ દહલ, માધવકુમાર નેપાલ, ઝાલનાથ ખાનલ, બાબુરામ ભટ્ટરાઈ, કે. પી. શર્મા ઓલી અને શેર બહાદુર દેઉબાની સંપત્તિની તપાસ કરવામાં આવશે. આ સિવાય બે વચગાળાની સરકારોના વડા ખિલ રાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ આ તપાસના દાયરામાં આવશે.
ADVERTISEMENT
આ તપાસમાં ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનો પણ સમાવેશ થાય છે. વધુમાં ૩ રાષ્ટ્રપતિઓ રામ બરન યાદવ, વિદ્યા દેવી ભંડારી અને વર્તમાન રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલની પણ તપાસ થશે. આ તપાસ ફક્ત અગ્રણી રાજકીય નેતાઓ સુધી મર્યાદિત નથી. એમાં પ્રધાનો, બંધારણીય પદો ધરાવતી ૧૦૦થી વધુ વ્યક્તિઓ અને વરિષ્ઠ અમલદારોને પણ આવરી લેવામાં આવશે.
આ તપાસ એવા નેતાઓ સુધી પણ પહોંચશે જે હવે હયાત નથી. આવા કિસ્સાઓમાં તેમના પરિવારો અને રાજકીય વારસદારોની સંપત્તિની પણ તપાસ થઈ શકે છે. આમાં ગિરિજા પ્રસાદ કોઇરાલા અને સુશીલ કોઇરાલા જેવા નેતાઓના પરિવારોનો સમાવેશ છે.
સાથીઓની પણ તપાસ કરશે વડા પ્રધાન
આ તપાસ બાલેન શાહ પ્રશાસનના પોતાના રાજકીય વર્તુળના સભ્યો સુધી પણ વિસ્તરી શકે છે. વર્તમાન સ્પીકર ડોલ પ્રસાદ આર્યલ, પ્રધાનો બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને શિશિર ખાનલ અને વડા પ્રધાનની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વડા રવિ લામિછાને પણ તપાસ હેઠળ આવી શકે છે, કારણ કે તેઓ અગાઉ જાહેર પદ સંભાળી ચૂક્યા છે.
સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ કમિશનના અધ્યક્ષ
પાંચ સભ્યોના કમિશનનું અધ્યક્ષપદ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રાજેન્દ્રકુમાર ભંડારી સંભાળી રહ્યા છે. પાંચમી માર્ચે યોજાયેલી ચૂંટણીનાં થોડાં અઠવાડિયાં પછી આ પૅનલની રચના કરવામાં આવી હતી જેમાં બાલેન શાહના પક્ષે શાનદાર વિજય મેળવ્યો હતો.
