ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ માતા-પિતાની સુરક્ષા માટે કૅબિનેટે બનાવ્યો નવો કાયદો
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ કૅબિનેટે વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા, વરિષ્ઠ નાગરિકોના ગૌરવપૂર્ણ જીવનને સુનિશ્ચિત કરવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. જો સંતાનો વૃદ્ધોની સંભાળ ન રાખે તો તેઓ સંતાનોને પ્રૉપર્ટીમાંથી બેદખલ કરી શકશે. આ સંદર્ભમાં આગામી થોડા સમયમાં માતા-પિતા સરકાર દ્વારા જાહેર થનારા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકશે.
કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલા સુધારાને કાયદા તરીકે અમલમાં મૂકવા માટે વિધાનસભામાં પસાર થયા પછી એને રાજ્યપાલની સંમતિની જરૂર પડશે. એમ છતાં યોગી સરકારનો આ પ્રયાસ વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાવસ્થાને સરળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
નવી જોગવાઈઓ હેઠળ માતા-પિતા તેમનાં બાળકોને તેમની મિલકતમાંથી બહાર કાઢી શકશે. બહાર કાઢવા માટેની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિકનાં સંતનો અથવા અન્ય આશ્રિત સંબંધીઓ તેમનું ભરણપોષણ કરતાં નથી અથવા તેમની સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર કરે છે તો પીડિત વરિષ્ઠ નાગરિક તેમને તેમની મિલકતમાંથી બેદખલ કરી શકશે. આ સિસ્ટમ પરિવારના સભ્યોને તેમનાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા અને આદર કરવા માટે પ્રોત્સાહિત કરશે.
વરિષ્ઠ નાગરિકો આ યોજનાના લાભ સરળતાથી મેળવી શકે એ માટે બેદખલ કરાવવાની પ્રક્રિયાને સ્પષ્ટ અને સમયબદ્ધ બનાવવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને સહાય પૂરી પાડવા માટે સરકાર ટોલ-ફ્રી નંબર જાહેર કરશે.
નવી જોગવાઈઓ અનુસાર આવા કિસ્સાઓમાં ફરિયાદો જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી શકાય છે. આ અધિકારીઓએ આવા તમામ કેસોનો માસિક અહેવાલ સરકારને સુપરત કરવાનો રહેશે. ફરિયાદોની સુનાવણી ૩૦ દિવસની અંદર કરવામાં આવશે, જેથી વરિષ્ઠ નાગરિકોને ન્યાય માટે લાંબા સમય સુધી રાહ જોવી ન પડે.
