JD Vance Taj Mahal Visit: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસ પત્ની અને બાળકો સાથે તાજમહલ જોવા ગયા. તે લગભગ દોઢ કલાક સુધી પરિવાર સાથે તાજમહલ પરિસરમાં રહ્યા.
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસે પરિવાર સાથે લીધી તાજ મહલની મુલાકાત
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસે પત્ની ઉષા અને બાળકો સાથે તાજમહલ જોયું. લગભગ દોઢ કલાક સુધી પરિવાર સાથે જેડી વૅંસે મોહબ્બતની ઇમારત જોઈ. આ દરમિયાન તેમણે વિઝિટર્સ બુકમાં લખ્યું કે તાજમહલ ખરેખર ખૂબ જ અદ્ભૂત છે. તાજમહલ પરિસરમાં પહોંચતા જ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સના ચહેરા પર અલગ જજ સ્માઇલ જોવા મળી. જાણે તે તાજમહલની સુંદરતાને શબ્દોમાં વર્ણવી શકતા નહોતા. પત્ની અને બાળકો સાથે આ દરમિયાન તેમણે ફોટોઝ પડાવ્યા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેરિયા એરપોર્ટ પર તેમનું ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસ તેમની પત્ની ઉષા અને બાળકો સાથે સમયસર ખેરિયા એરપોર્ટ પહોંચ્યા. ઉપરાષ્ટ્રપતિના અહીંથી તાજમહલ જવાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ પણ શણગારવામાં આવ્યા હતા. જોકે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શોકના ચિહ્ન તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જ્યારે ઉપરાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટથી નીકળ્યો, ત્યારે બાળકોએ ભારત અને અમેરિકાના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું.
ADVERTISEMENT
ભારતની પહેલી મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસને રાજ્ય મહેમાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી, મુખ્યમંત્રી યોગીએ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત અને સન્માન કર્યું. તમને જણાવી દઈએ કે અમેરિકન સુરક્ષા એજન્સીઓ ત્રણ દિવસથી આગ્રામાં ધામા નાખી રહી છે. એરપોર્ટથી શિલ્પગ્રામ થઈને તાજમહલ લગભગ ૧૨ કિમી દૂર છે. રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
ઉપરાષ્ટ્રપતિનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હતો ત્યાં ટ્રાફિક શૂન્ય હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓ મંગળવાર રાત સુધી તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા. અધિકારીઓએ તૈયારીઓનું રિહર્સલ પણ કર્યું. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, બુધવારે બધી શાળાઓ બંધ રહી.
`વૅંસ તાજમહલ તરફ જોતા રહી ગયા`
ગાઈડે કહ્યું કે ઉષા વૅંસે તાજમહલના પાયા વિશે પ્રશ્નો પૂછ્યા હતા અને તેમણે આરસપહાણ વિશે પણ પ્રશ્નો પૂછ્યા હતા. ગાઈડે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે વૅંસ અને તેના પરિવારે પહેલી વાર તાજમહલ જોયો, ત્યારે તેઓ લાંબા સમય સુધી તેને જોતા રહ્યા.
એક અધિકારીએ જણાવ્યું કે તાજમહલની મુલાકાત લીધા પછી, જેડી વૅંસ આગ્રાથી જયપુર જવા રવાના થયા છે.
આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું, `ભારતના પવિત્ર હૃદય અને તેની શાશ્વત ભક્તિ, જીવંત સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા માટે પ્રખ્યાત ઉત્તર પ્રદેશમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅંસ અને તેમના પરિવારનું હાર્દિક સ્વાગત છે.`
વૅંસ પરિવાર એરપોર્ટથી તાજમહલ સુધી કાર દ્વારા ગયો. તેમના કાફલાના રૂટ પરના રસ્તાઓ ખાસ શણગારવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ અમેરિકા અને ભારતના ધ્વજ લઈને વૅંસનું સ્વાગત કર્યું હતું. વૅંસની આગ્રા મુલાકાત માટે વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
વૅંસ દંપતીએ સોમવારે યમુના કિનારે આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને તેમની ભારત મુલાકાતની શરૂઆત કરી. આ પછી, તેઓ રાજધાનીમાં તેમના નિવાસસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા.

