આવું કરનારા યુવાનો સામે ચોમેર આક્રોશ ફેલાયો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તારીખ વિનાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં યુવાનોનું એક જૂથ રેલવે-ટ્રૅક પર લાકડાં મૂક્યા પછી માત્ર મનોરંજન માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકવાની કોશિશ કરે છે. ત્યાર બાદ આ ગ્રુપ ધીમી પડેલી વંદે ભારતનો વિડિયો મૂકીને લખે છે કે ‘વંદે ભારત રુકવા દિયા.’ આ યુવાનો દાવો કરે છે કે આ તેમનો બાવીસમો વ્લૉગ છે. ટ્રેન ધીમી પડી છે ત્યારે એક પોલીસ લોકો પાઇલટની કૅબિનમાંથી બહાર આવે છે અને તેમને પૂછે છે કે તમે ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા છો? ત્યારે યુવાનો જવાબ આપે છે કે અમે અંદર જવાનો પ્રયાસ નથી કરી રહ્યા, અમે ફક્ત એક વિડિયો બનાવી રહ્યા છીએ.
વિડિયોમાં દેખાતા કન્ટેન્ટ-ક્રીએટર્સે વંદે ભારત એક્સપ્રેસને ફક્ત તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ માટે વિડિયો બનાવવા માટે રોકી હતી, જેથી તેઓ એને ઑનલાઇન પોસ્ટ કરીને વાઇરલ કરી શકે. જોકે હવે આ કન્ટેન્ટ-ક્રીએટર્સ સામે એટલો ગુસ્સો ફેલાયો છે કે સોશ્યલ મીડિયામાં તેમની સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી રહી છે. આ વિડિયોને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મુસાફરોના જીવને જોખમમાં મૂકવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. એક યુઝરે આને આતંકવાદી કૃત્ય જાહેર કરીને યુવાનો સામે કડક કાર્યવાહીની માગણી પણ કરી હતી.


