આ તેમનો સ્ટન્ટ નહોતો, પણ ભાગી જવાનો પ્લાન હતો
૬૮ વર્ષના ડૉન્ગ ગુઆંગપિંગ
ચીનના ૬૮ વર્ષના ડૉન્ગ ગુઆંગપિંગ નામના ભાઈએ તાજેતરમાં એક કારનામું કર્યું. તેઓ શેડોન્ગ પ્રાંતના દરિયાકિનારેથી એક બોટ લઈને ભાગી નીકળ્યા અને સતત ૩૦ કલાક સુધી બોટ ચલાવીને સાઉથ કોરિયાના કિનારે જઈ પહોંચ્યા. આ તેમનો સ્ટન્ટ નહોતો, પણ ભાગી જવાનો પ્લાન હતો. ડૉન્ગભાઈ યુવાનીના સમયમાં પોલીસ તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે નિવૃત્તિ પછી તેમણે સરકારી નીતિઓની ખૂબ ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. સરકારવિરોધી પ્રદર્શનોમાં પણ ભાગ લેવા માંડ્યા. એને કારણે સરકારે તેમને પ્રદર્શનો પછી જેલમાં પણ પૂર્યા. જોકે જેવા પાછા જેલની બહાર આવે એટલે ભાઈ ફરી સરકારવિરોધી પ્રદર્શનમાં લાગી જાય. તેમની પત્ની અને દીકરી કૅનેડામાં રહે છે. ચીનમાં તેમને દેશ છોડવાની મનાઈ હતી એટલે ઑફિશ્યલી તેઓ દેશ છોડીને જઈ શકે એમ નહોતા એટલે તેમણે સમુદ્રી રસ્તો પસંદ કર્યો. આ પહેલાં પણ તેમણે ત્રણ વાર ભાગવાની કોશિશ કરી હતી, પણ સફળ નહોતા રહ્યા. વિયેટનામ, તાઇવાન અને થાઇલૅન્ડ જવાનો પ્લાન નિષ્ફળ થતાં તેમણે સમુદ્રના માર્ગે દૂરના દેશે જવાનું પસંદ કર્યું. તાજેતરમાં ડૉન્ગે જાતે નાવ ચલાવીને સાઉથ કોરિયાના દરિયા સુધીની સફર ખેડી નાખી. જોકે કિનારે આવતાં જ સાઉથ કોરિયન પોલીસે ગેરકાનૂની એન્ટ્રી બદલ પકડી લીધા હતા.
