દસ દિવસ લિફ્ટ બરાબર ચાલી, વાસ આવતાં ખબર પડી
ગિરી ગોસ્વામી
મધ્ય પ્રદેશના ભોપાલમાં ચિનાર ડ્રીમ સિટી નામના બિલ્ડિંગમાં ગિરી ગોસ્વામી નામના ૭૭ વર્ષના વડીલ ડક્ટમાં પડી ગયા હતા. જોકે આ ઘટના વખતે કોઈ ત્યાં નહોતું એટલે ખબર જ ન પડી. વડીલ ગુમ થઈ ગયા એટલે પહેલાં તો પરિવારજનોએ સોસાયટીમાં બધે તપાસ કરાવી, પરંતુ કોઈ ભાળ ન મળતાં તેમના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. હેરાનીની વાત એ છે કે લિફ્ટ એ પછી પણ ઉપર-નીચે થતી રહી, પણ કોઈને ખબર ન પડી કે લિફ્ટના ડક્ટમાં કોઈ ફસાઈ ગયું છે. જ્યારે ખાડામાં પડેલું શબ સડવા લાગ્યું ત્યારે લિફ્ટમાં ખૂબ ગંદી વાસ આવવા લાગી. એ વખતે સંદેહ જતાં લિફ્ટ રોકીને નીચે જોવામાં આવ્યું તો ત્યાં વડીલનું સડી ગયેલું શબ મળી આવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે દાદા કંઈક કામસર બહાર જવા માટે લિફ્ટમાં જ નીચે ગયા હતા, પરંતુ લિફ્ટના ડક્ટમાં અંદર કેવી રીતે પડી ગયા એ નથી સમજાતું.


